અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર હસ્તક
અમદાવાદ શહેરના ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘સેવન્થ ડે સ્કૂલ દ્વારા સતત પુરાવાઓ રજૂ કરવામાં નિષ્ફળતા મળ્યા બાદ સરકારના હુકમ અનુસાર વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળવામાં આવ્યો છે
(એજન્સી)અમદાવાદ, છેલ્લા ઘણાં સમયથી વિવાદોમાં ઘેરાયેલી અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ સામે સરકારે લાલ આંખ કરી છે. વિદ્યાર્થીઓના ભાવિ અને વહીવટી અનિયમિતતાઓને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આ શાળાનો વહીવટ પોતાના હસ્તક લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજથી અમદાવાદ શહેર ડીઈઓએ વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.
રાજ્ય સરકારના આદેશ બાદ અમદાવાદ ડીઈઓ પોતાની ટીમ અને અન્ય સરકારી અધિકારીઓ સાથે શાળા પરિસર પહોંચ્યા હતા. તેમની હાજરીમાં જ તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી ચાર્જ લેવામાં આવ્યો હતો.
આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શાળામાં ચાલતી ગેરરીતિઓ અટકાવવાનો અને વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને અસર ન પડે તે જોવાનો છે. શાળાનો વહીવટ સરકાર હસ્તક થતા જ શાળાની બહાર વાલી મંડળ અને જનાક્રોશ સંઘર્ષ સમિતિ દ્વારા ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વાલી મંડળ દ્વારા ડ્ઢઈર્ંનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું અને સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.
મળતી વિગતો મુજબ, શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆતો બાદ આ નિર્ણય લેવાયો છે. સરકારનું કહેવું છે કે આનાથી વિદ્યાર્થીઓને કોઈ નુકસાન જશે નહીં. વહીવટ સંભાળવાની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાળાની જમીન પરત લેવા સહિતની કાયદેસરની કાર્યવાહી પણ ઝડપી કરી દેવામાં આવી છે. શાળામાં બનેલી દુઃખદ ઘટનાઓ અને સંચાલકોની મનમાની સામે વાલીઓમાં ભારે રોષ હતો, જેના અંતે સરકારે આ કડક પગલું ભર્યું છે.
અમદાવાદ શહેરના ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘સેવન્થ ડે સ્કૂલ દ્વારા સતત પુરાવાઓ રજૂ કરવામાં નિષ્ફળતા મળ્યા બાદ સરકારના હુકમ અનુસાર વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળવામાં આવ્યો છે. આ નિર્ણય વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો છે અને શિક્ષણ વિભાગ દ્વારા પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભણતર પર કોઈ પણ પ્રકારની વિપરીત અસર ન પડે અને તેમનું શિક્ષણ કાર્યં સતત ચાલુ રહે.
