ભરૂચમાં મહંમદપુરાથી બાયપાસ સુધીના રોડ પરના કાચા દબાણો દૂર કરાયા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાયપાસ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ભરૂચ નગરપાલિકા,બૌડા અને પ્રાંત કચેરીની સંયુક્ત ટીમે ટ્રાફિકને અડચણરૂપ થતા દબાણકર્તાઓ સામે લાલ આંખ કરી હતી અને જંબુસર બાયપાસથી મહંમદપુરા સુધીના માર્ગ પર દબાણ હટાવ અભિયાન ચલાવ્યું હતું.
આ કાર્યવાહી દરમ્યાન પ્રાંત અધિકારી મનીષા માનાણી,પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ,પોલીસ સ્ટાફ સાથે જેસીબી અને ટ્રેક્ટર સાથે દબાણ દૂર કરવા માટે પહોંચેલી ટીમે રોડની સાઈડ પર કરવામાં આવેલા કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવતા લારી-ગલ્લાવાળાઓમાં દોડધામ મચી હતી.
તો કેટલાક દબાણકારોને બે દિવસમાં જાતે જ દબાણ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી.તો દૂર કરાયેલા દબાણો ફરીથી ઉભા ન થાય તે માટે મોનીટરીંગ પણ કરવામાં આવનાર છે.તો બીજી તરફ દુકાનદારો કરવામાં આવતી ગંદકી અને પ્લાસ્ટિકના ઝભલા રાખતા લોકો સામે પણ લાલ આંખ કરવામાં આવી હતી.
