Western Times News

Gujarati News

પિતાએ મોબાઈલનો પાસવર્ડ બદલી નાખતાં ધો. ૭ના વિદ્યાર્થીએ ફાંસો ખાધો

(એજન્સી)રાજકોટ, રાજકોટના ચંદ્રેશનગર વિસ્તારમાં મોબાઈલ ફોનની લત એક માસૂમ બાળક માટે જીવલેણ સાબિત થઈ છે. સતત મોબાઈલ વાપરવાની આદતને કારણે પિતાએ ઠપકો આપી ફોનનો પાસવર્ડ બદલી નાખતા માઠું લાગી આવતા ૧૨ વર્ષના સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

યુનિવર્સલ સ્કૂલ પાસે રહેતા અને ધોરણ ૭ માં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીએ પિતા ઘરની બહાર ગયા બાદ છતના એંગલમાં સાડી બાંધી આ અંતિમ પગલું ભર્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, ધોરણ ૭માં ભણતો વિદ્યાર્થી શાળાએથી ઘરે આવ્યા બાદ તરત જ મોબાઈલ લઈને બેસી ગયો હતો.

રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા પિતા રાકેશભાઈએ તેને ભણવા પર ધ્યાન આપવા માટે ઠપકો આપ્યો હતો અને મોબાઈલનો લોક પાસવર્ડ પણ બદલી નાખ્યો હતો. બપોરના સમયે પિતા રિક્ષા લઈને કામ પર નીકળી ગયા ત્યારે સગીરે ફરી મોબાઈલ લીધો હતો, પરંતુ પાસવર્ડ બદલાઈ ગયો હોવાથી તે ફોન ખોલી શક્યો નહોતો. તેણે માતા પાસે નવો પાસવર્ડ માંગ્યો હતો, પરંતુ માતાએ પોતે પાસવર્ડ ભૂલી ગઈ હોવાનું કહેતા બાળકને આ વાતનું અત્યંત માઠું લાગ્યું હતું.

બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતક સગીર બે ભાઈઓમાં મોટો હતો અને તેના અકાળે અવસાનથી શ્રમિક પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો છે. હાલ પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.