અન્ય રાજ્યોની તુલનામાં મનરેગાની સહાયનો લાભ લેવામાં ગુજરાત પાછળ
તામિલનાડુએ ૪૮ હજાર કરોડ તો ગુજરાતે ૮ હજાર કરોડની સહાય જ લીધી
રોજગાર ગેરંટી વાર્ષિક ૧૦૦ દિવસથી વધારીને ૧રપ દિવસ કરવામાં આવી છે અને ફંડિંગ મોડેલ પર ૬૦ ટકા કેન્દ્ર સરકારના અને ૪૦ ટકા રાજ્ય સરકારના હિસ્સા સાથે બદલાયું છે.
(એજન્સી)ગાંધીનગર, અત્યાર સુધી કેન્દ્ર સરકાર મનરેગા યોજનાનો સંપૂર્ણ ખર્ચ ભોગવતી હતી ત્યારે ગુજરત સરકાર અન્ય રાજ્યોની સરખામણીમાં તેનો લાભ લેવામાં બેજવાબદાર રહી હતી. હવે કેન્દ્ર સરકારે મનરેગાના ધોરણોમાં ફેરફાર કરીને નવી વીબીજીરામ-જી યોજના જાહેર કરી છે. તેમાં રાજ્યો પાસેથી ૪૦ ટકા હિસ્સો લેવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં શ્રમિકોને રોજગારી મેળવવામાં ફાંફા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષ ર૦ર૦-ર૧થી ર૦ર૪-રપમાં રાજ્યો અને કેન્દ્રશાસતિ પ્રદેશોને મનરેગા માટે કુલ રૂ.૪.૭૧ લાખ કરોડ રૂપિયાની સહાય આપી હતી. પાથેય બજેટ સેન્ટર દ્વારા આ જંગી સહાયના કરાયેલા વિશ્લેષણ મુજબ, ઉત્તરપ્રદેશ અને તામિલનાડુ તેમાંથી ૧૦ ટકાથી વધુ હિસ્સો મેળવી તેમના રાજ્યમાં મોટાપાયે રોજગારી શ્રમિકોને પૂરી પાડે છે. તેની સામે ગુજરાત આ યોજનાના ઓછા અમલ થકી ભંડોળમાંથી ફકત ૧.૮ર ટકા રકમ જ મેળવી શકયું છે.
નવી જીરામ-જી યોજનાના અનેમ રાજકોષીય અને સામાજિક પ્રભાવો ઊભા થઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે રોજગાર ગેરંટી વાર્ષિક ૧૦૦ દિવસથી વધારીને ૧રપ દિવસ કરવામાં આવી છે અને ફંડિંગ મોડેલ પર ૬૦ ટકા કેન્દ્ર સરકારના અને ૪૦ ટકા રાજ્ય સરકારના હિસ્સા સાથે બદલાયું છે.
તેમાં રાજ્ય સરકાર ઉપર ૪૦ ટકા હિસ્સો આપવાનું હવે દબાણ આવશે. પાથેયના વિશ્લેષણકાર મહેન્દ્ર જેઠમલાણીના જણાવ્યા મુજબ જૂની મનરેગા યોજનામાં જ્યારે કેન્દ્ર સરકાર સહાય આપતું હતું ત્યારે અન્ય રાજ્ય તેનો લાભ લેવામાં ગુજરાતની સરખામણીમાં વધુ કુશળ નીવડયા હતા. તામિલનાડુ મોટો શહેરીકરણ ધરાવતું રાજ્ય હોવા છતાં મનરેગા માટે દર વર્ષે સરેરાશ ૯૬પ૮ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
તામિલનાડુએ કુલ ૪૮,ર૯૦ કરોડ રૂપિયા પાંચ વર્ષમાં સહાય લીધી છે અને શ્રમિકોને રોજગારી આપી છે. તેની સામે ગુજરાતે પાંચ વર્ષમાં ફકત ૮૧ર૬ કરોડ રૂપિયા જ સહાય પેટે મેળવ્યા છે. હવે રાજ્ય પૂરતું ભંડોળ નહીં ફાળવે તો ગ્રામીણ પરિવારોને રોજગારીની જરૂરિયાતના સમયે શહેરોમાં મજબૂરીથી સ્થળાંતર કરવાની નોબત આવે તેવી સંભાવના પણ તેમણે વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્રે પણ ૧૩,૬૪૭ કરોડ રૂપિયા અને રાજસ્થાને ૪૪૬૯૬ કરોડ રૂપિયા મનરેગાના કામમાં સહાય પેટે મેળવ્યા છે.
