Western Times News

Gujarati News

ભારતને ૧૦૦ ટકા સ્વચ્છ હવા મેળવવામાં ૧૮૮ વર્ષ લાગશે

નવી દિલ્હી, ભારતની રાજધાની દિલ્હી સહિત અનેક શહેરોમાં પ્રદૂષણ વધી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે એક વૈશ્વિક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ભારત વર્તમાન ગતિથી સ્વચ્છ હવા મેળવતુ રહ્યું તો સંપૂર્ણ સ્વચ્છ હવા મેળવવામાં ભારતને ૧૮૮ વર્ષ લાગી શકે છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા આ તારણ બહાર પડાયું છે. જેમાં વધુમાં દાવો કરાયો છે કે ચીન આ લક્ષ્ય માત્ર ૨૫ વર્ષમાં જ પ્રાપ્ત કરી લેશે.ચીનમાં અનેક વસ્તુઓનું ઉત્પાદન થાય છે જેને તે વિશ્વભરના માર્કેટમાં પહોંચાડી રહ્યું છે. અનેક ઉદ્યોગો અને ફેક્ટરીઓ ધમધમી રહી હોવા છતા ચીન પ્રદૂષણ સામે પગલા લેવામાં ભારત કરતા આગળ છે જે આ સ્ટડીના તારણમાં સામે આવ્યું છે.

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પર્યાવરણ નિષ્ણાતો દ્વારા એક તારણ બહાર પડાયું છે. જેમાં જણાવાયું છે કે ભારતને ૧૦૦ ટકા સ્વચ્છ એનર્જી મેળવવામાં હજુ ૧૮૮ વર્ષ લાગી શકે છે. હાલ ભારત પ્રદૂષણ સામે જે પગલા લઇ રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને આ અનુમાન લગાવવામાં આવ્યું છે.

સ્ટડીમાં જણાવાયું છે કે વર્તમાન ગતિથી જો ભારત પ્રદૂષણ સામે કે સ્વચ્છ એનર્જી માટે પગલા ભરતુ રહ્યું તો ૧૮૮ વર્ષ લાગશે. બીજી તરફ ચીનની ગતિ વધુ હોવાથી તેને આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં માત્ર ૨૫ વર્ષનો જ સમય લાગશે તેવો દાવો પણ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

સ્ટેનફોર્ડ, યુનિ. દ્વારા વિશ્વના ૧૫૦ જેટલા દેશોની પ્રદૂષણની સ્થિતિનો અભ્યાસ કર્યાે હતો. રિપોર્ટ મુજબ ભારતને પોતાની ઉર્જા સિસ્ટમથી હવા પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જન પુરી રીતે ખતમ કરવામાં બે સદી જેટલો સમય લાગી શકે છે. જ્યારે અમેરિકા આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ૨૧૨૮ સુધીનો સમય લગાવી શકે છે.

આ રિપોર્ટ એવા સમયે સામે આવી છે જ્યારે દિલ્હી સહિત કેટલાક શહેરો ભારે પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે અને સ્વચ્છ હવા મેળવવા નાગરિકો ઝઝૂમી રહ્યા છે. ભારત પહેલાથી જ વિશ્વના સૌથી પ્રદૂષિત દેશોમાં સામેલ છે. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ ૨૦૨૩ મુજબ વિશ્વના ૧૦૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ૮૩ ભારતમાં છે. ૨૦૨૨માં ભારતમાં ૧૭ લાખ લોકો માનવ સર્જિત વાયુ પ્રદૂષણને કારણે મોતને ભેટ્યા હોવાનું તારણ અગાઉ સામે આવી ચુક્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.