યુરોપીયન સંઘના ડેરી ઉત્પાદનો પર ચીને ૪૨.૭% ટેરિફ લાદી
None
હોંગકોંગ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના દેશો પર લાદેલું ટેરિફ વોર દિવસેને દિવસે વધુ વકરી રહ્યું છે. અમેરિકાના પગલે હવે તેના કટ્ટર હરીફ ચીને યુરોપીયન સંઘ પર ૪૨.૭ ટકા કામચલાઉ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.
આ ટેરિફ યુરોપીયન સંઘમાં સામેલ દેશોની દૂધ અને ચીઝ સહિતની ડેરી પ્રોડક્ટ્સ પર લાદવામાં આવશે.આ વધારાનો ટેરિફ મંગળવારથી તાત્કાલિક અસરથી અમલી બનશે. વાસ્તવમાં યુરોપીયન સંઘે ચીન દ્વારા ઈલેક્ટ્રિક વાહનોને અપાતી સબસિડી અંગે તપાસ હાથ ધર્યાં બાદ ચીનના ઈલેક્ટ્રિક વાહનો પર ૪૫.૩ ટકા ટેરિફ લાદ્યો હતો.
આ મામલે ચીન અને યુરોપીયન સંઘ વચ્ચે વિવાદ પેદા થયો હતો. ત્યારબાદ, યુરોપીયન સંઘના દેશો દ્વારા તેમના ડેરી ઉત્પાદનો અને અન્ય કૃષિ પેદાશોને અપાતી જંગી સબસિડીનો ચીનના વાણિજ્ય મંત્રાલયે ૨૦૨૪માં કરેલી તપાસમાં થયેલાં ખુલાસાને પગલે ચીને આ ટેરિફ ઝિંકવાની જાહેરાત કરી છે.
યુરોપીયન સંઘના ડેરી ઉત્પાદનો પર લાદવામાં આવેલો આ કામચલાઉ ટેરિફ ૨૧.૯ ટકાથી ૪૨.૭ ટકા જેટલો રહેશે તેમ ચીનના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું. જેમાં તાજી અને પ્રોસેસ્ડ ચીઝ, બ્લુ ચીઝ, દૂધ અને ક્રીમ તથા ફેટનો સમાવેશ થાય છે.
મંત્રાલય દ્વારા આ મામલે એક નિવેદનમાં જણાવાયું હતું કે, મંત્રાલયની તપાસમાં એવું બહાર આવ્યું છે કે, યુરોપીયન સંઘ અને તેના સભ્ય દેશો દ્વારા તેમના ડેરી ઉત્પાદનોને અપાતી સબસિડીથી ચીનના ડેરી ઉદ્યોગને ભારે નુકસાન થયું છે.
ગયા સપ્તાહે બેઈજિંગે યુરોપીયન સંઘમાંથી આયાત કરાતાં પોર્ક પર ૧૯.૮ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ અગાઉ જુલાઈ મહિનામાં બેઈજિંગે ળાન્સની કોનિયાક સહિતની યુરોપીયન સંઘના દેશોમાંથી આયાત કરાતી બ્રાન્ડી પર ૩૪.૯ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.SS1MS
