નેશનલ હેરાલ્ડ કેસમાં હાઈકોર્ટે સોનિયા, રાહુલનો જવાબ માગ્યો
નવી દિલ્હી, નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત આપતા ટ્રાયલ કોર્ટના ચુકાદાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ઈડીએ સોનિયા-રાહુલ ગાંધી તથા અન્યો સામે નોંધેલી ફરિયાદનું સંજ્ઞાન લેવાની અરજી અગાઉ ટ્રાયલ કોર્ટે ફગાવી હતી. જેની સામે મનાઈ હુકમ મેળવવા હાઈકોર્ટમાં અરજી થઈ હતી. આ અરજીમાં વળતો જવાબ આપવા હાઈકોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નિર્દેશ આપ્યા છે.
ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જો કે આ પ્રકારની ફરિયાદ કાયદા હેઠળ અસ્વીકાર્ય હોવાનું ઠરાવી ટ્રાયલ કોર્ટે સંજ્ઞાન લેવાની મનાઈ ફરમાવી હતી. ૧૬ ડિસેમ્બરે ટ્રાયલ કોર્ટે આપેલા આ ચુકાદા સામે ઈડી દ્વારા હાઈકોર્ટમાં અજી થઈ હતી.
આ કેસની વધુ સુનાવણી ૧૨ માર્ચે રાખવામાં આવી છે. ગાંધી પરિવાર ઉપરાંત હાઈકોર્ટે સુમન દુબે, સામ પિત્રોડા, યંગ ઈન્ડિયન, ડોટેક્સ મર્ચેન્ડાઈઝ પ્રા. લિ. અને સુનિલ ભંડારીને પણ કોર્ટ દ્વારા નોટિસ પઠવવામાં આવી છે. ટ્રાયલ કોર્ટે પોતાના હુકમમાં જણાવ્યું હતું કે, મની લોન્ડરિંગના ગુનામાં તપાસ અને ત્યારબાદના અહેવાલના આધારે નોંધવામાં આવેલી ફરિયાદ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી. એજન્સીએ ખાનગી વ્યક્તિની ફરિયાદ બાદ તપાસ હાથ ધરી હતી.
હાઈકોર્ટમાં ઈડી દ્વારા દલીલથઈ હતી કે, આ પ્રકારના હુકમથી મની લોન્ડરિંગના ગુનેગારોને મોકળું મેદાન મળી શકે છે અને ખાનગી વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હોવાના એક માત્ર કારણથી આરોપીઓ છટકી શકે છે.SS1MS
