Western Times News

Gujarati News

જાતીય સતામણી અને દુષ્કર્મ આચરનાર આધેડ આરોપીને આજીવન કેદની સજા

નડિયાદ, નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીર વયની બાળકીઓ સાથે જાતીય સતામણી અને દુષ્કર્મના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. ૮થી ૧૧ વર્ષની ચાર માસુમ બાળાઓને ચોકલેટ અને બિસ્કિટની લાલચ આપી તેમની સાથે અવારનવાર અત્યાચાર ગુજારનાર અને તે ઘટનાઓના બિભત્સ વીડિયો ઉતારનાર આરોપી ચંદ્રકાન્ત ઉર્ફે પેન્ટર ડાહ્યાભાઇ પટેલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

આ સાથે જ અદાલતે આરોપીને કુલ ૧,૫૧,૦૦૦ રૂપિયાનો દંડ અને દરેક ભોગ બનનાર બાળકીને ૨,૦૦,૦૦૦ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યાે છે. આ કેસની વિગતો મુજબ ૫૪ વર્ષનો આરોપી ચંદ્રકાન્ત પટેલ રામપુરના કાકરખાડ ફળિયામાં એકલો રહેતો હતો અને મહેંદી મૂકવા તેમજ પેન્ટિંગનું કામ કરતો હતો. તે શાળા છૂટવાના સમયે દૂધની ડેરી પાસે ઉભો રહી નાની બાળકીઓને ખાણી-પીણીની લાલચ આપી પોતાના ઘરે બોલાવતો હતો.

ગત વર્ષે આરોપીએ સૌપ્રથમ એક બાળકીને લાલચ આપી ઘરે બોલાવી તેની છેડતી કરી હતી. ત્યારબાદ ગણપતિ મહોત્સવ અને નવરાત્રિ જેવા તહેવારો દરમિયાન તેણે માસુમ બાળકીઓને અશ્લીલ વીડિયો બતાવી તેમના પર જાતીય દુષ્કર્મ આચરી તેના વીડિયો ઉતાર્યા હતા.

આરોપીએ બાળકીઓને ધમકી આપી હતી કે, જો તેઓ આ બાબતે કોઈને જણાવશે તો તેમને જીવતી દાટી દેશે અથવા મારી નાખશે.વસો પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે બીએનએસ અને પોક્સો એક્ટની વિવિધ કલમો તેમજ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ નડિયાદના સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો.

સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલો કરી હતી કે, દેશમાં સગીર બાળકીઓ સાથે વધતા અત્યાચારના કિસ્સાઓમાં દાખલારૂપ સજા થવી જરૂરી છે, જેથી સમાજમાં મજબૂત સંદેશો જાય. ફરિયાદી પક્ષ તરફથી કુલ ૧૯ સાક્ષીઓ અને ૪૫ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. નામદાર અદાલતે તમામ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદ એટલે કે કુદરતી જીવનના અંત સુધીની જેલની સજા ફટકારી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.