Western Times News

Gujarati News

ન્યૂઝીલેન્ડે ત્રીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને ૩૨૩ રને હરાવ્યુ

ન્યૂઝીલેન્ડ, ન્યૂઝીલેન્ડે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ૩૨૩ રને ભવ્ય વિજય મેળવવાની સાથે શ્રેણી ૨-૦થી પોતાના નામે કરી લીધી હતી. પેસ બોલર જેકોબ ડફીએ ચોથી ઈનિંગ્સમાં વેસ્ટ ઈન્ડિઝની પાંચ વિકેટ ખેરવી હતી. આ સાથે જ સિરીઝમાં કુલ ૪૨ રન અને ૨૩ વિકેટ ઝડપીને તે મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો. ઓપનર બેટ્‌સમેન ડેવોન કોન્વેએ ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં બેવડી સદી તથા બીજા દાવમાં સદી ફટકારતા તે મેન ઓફ ધ મેચ બન્યો હતો.

કિવિઝના ૪૬૨ રનના ટારગેટ સામે કેરેબિયન ટીમનો ૧૩૮ રનમાં જ ધબડકો થયો હતો. પાંચમાં દિવસની રમત આગળના વિના વિકેટે ૪૩ રનથી આગળ ધપાવ્યા બાદ પ્રવાસી ટીમના બેટ્‌સમેનો એક પછી એક ફસડાઈ પડ્યા હતા.

ઓપનર બ્રાન્ડન કિંગે સર્વાધિક ૬૭ રનની ઈનિંગ્સ રમી હતી. ડફીએ તેને ફિલિપ્સના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારપછીની બીજી જ ઓવરમાં જોન કેમ્બેલ ૧૬ રન કરીને પેવેલિયન પરત ફર્યાે હતો.

વિન્ડિઝે બંને ઓપનર્સની વિકેટ ગુમાવ્યા બાદ પ્રથમ દાવમાં સદી ફટકારનાર કેવેમ હોજ પાસેથી મોટી ઈનિંગ્સની અપેક્ષા હતી પરંતુ તે શૂન્યમાં આઉટ થયો હતો. કિવિઝની ઘાતક બોલિંગ સામે વેસ્ટ ઈન્ડિઝના બેટ્‌સમેને શરણાગતિ સ્વિકારતા ૫૧ રનમાં નવ વિકેટનું પતન થયું હતું. ન્યૂઝીલેન્ડના બોલર જેકોફ ડફીએ ૪૨ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. લંચ સેશન સુધીમાં વેસ્ટ ઈન્ડિઝની પાંચ વિકેટ પૈકી ત્રણ ડફીએ ખેરવી હતી.

લંચ બાદ તેણે રોસ્ટન ચેઝ (૫) અને જેડન સીલ્સ (૦૦)ની વિકેટ ઝડપીને પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી. એજાઝ પટેલે ત્રણ અને ગ્લેન ફિલિપ્સ એક વિકેટ મેળવી હતી. સાઈ હોપે ૭૮ બોલમાં ત્રણ રન કર્યા હતા. જ્યારે ટેવિન ઈમલાચ ૯૦ બોલમાં ૧૫ રન કરીને અણનમ રહ્યો હતો.અગાઉ ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં ડેવોન કોનવેની બેવડી સદી અને સુકાની સાથમની સદીની મદદથી આઠ વિકેટે ૫૭૫ રન પર પ્રથમ દાવ ડિક્લેર કર્યાે હતો.

જવાબમાં કેરેબિયન ટીમે પ્રથમ દાવમાં ૪૨૦ રન કર્યા હતા. બીજા દાવમાં પણ લાથમ (૧૦૧) અને કોન્વેએ (૧૦૦) સદી ફટકારતા ૫૪ ઓવરમાં બે વિકેટે ૩૦૬ રન પર ઈનિંગ્સ ડિક્લેર કર્યાે હતો.

પ્રથમ ટેસ્ટ ગ્રીવ્ઝની બેવડી સદીની મદદથી વેસ્ટ ઈન્ડિઝ ડ્રોમાં ખેંચી જવામાં સફળ રહ્યું હતું. બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનો નવ વિકેટે વિજય થયો હતો. ન્યૂઝીલેન્ડના પેસ બોલર જેકોબ ડફીએ ત્રણ ટેસ્ટમાં મળીને કુલ ૨૩ વિકેટ ખેરવી હતી. આ સાથે જ તેણે એક કેલેન્ડર વર્ષમાં ૮૦ વિકેટ ઝડપવાનો રિચાર્ડ હેડલીનો રેકોર્ડ તોડ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.