કંગનાએ ડાયરેક્ટર આદિત્ય ધરને રીયલ ધુરંધર ગણાવી વખાણ કર્યા
મુંબઈ, પાકિસ્તાની આતંકવાદીઓના કાળા કરતૂતો અને ભારતીય દેશભક્તોની વીરતાને દર્શાવતી ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. જાણીતી એક્ટર અને સાંસદ કંગના રણોતે આ ફિલ્મ જોયા બાદ ડાયરેક્ટર-લેખક અને કો-પ્રોડ્યુસર આદિત્ય ધરના ભરપૂર વખાણ કર્યાં છે.
કેટલાક ક્રિટિક્સ અને દર્શકો આ ફિલ્મને પાકિસ્તાન પ્રત્યે પૂર્વગ્રહ રજૂ કરતી ગણાવી રહ્યા છે ત્યારે કંગનાએ આ જ પ્રકારની ફિલ્મોની જરૂર હોવાનું જણાવી આદિત્ય ધરને રીયલ ધુરંધર ગણાવ્યા છે. ફિલ્મ જોયા પછી રીએક્શન આપતા કંગનાએ કહ્યુ હતું કે, મેં ધુરંધર જોઈ અને ખૂબ સારી લાગી.
આ માસ્ટરપીસમાં આર્ટ અને ક્રાફ્ટ અત્યંત પ્રેરણાદાયી છે, પરંતુ ઈમાનદારીથી કહું તો ફિલ્મેકરના ઈરાદા ભરપૂર પ્રશંસાને પાત્ર છે. સરહદ પર આપણા સલામતી દળો, સકારમાં મોદીજી અને બોલિવૂડ સિનેમામાં તમે પાકિસ્તાની આતંકવાદીઓની ખૂબ પીટાઈ કરો. સમગ્ર ફિલ્મ દરમિયાન તાળી પાડી, સીટીઓ વગાડી અને ખૂબ મજા આવી ગઈ. કંગનાની આ પોસ્ટને સોશિયલ મીડિયા પર રીશેર કરવાની સાથે આદિત્ય ધરે માત્ર આભાર માનીને ટૂંકો જવાબ આપ્યો હતો.
‘ધુરંધર’માં આદિત્યએ લેખક-નિર્દેશક અને સહ-નિર્માતા તરીકે જવાબદારી નિભાવી છે. ફિલ્મમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલ, સંજય દત્ત, સારા અર્જુન અને રાકેશ બેદી જેવા જાણીતા એક્ટર્સ છે અને તમામના વખાણ થઈ રહ્યા છે.
ફિલ્મમાં માધવને ઈન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર અજય સાન્યાલનો રોલ કર્યાે છે, જ્યારે અક્ષય ખન્ના બલોચ ગેંગસ્ટર રહેમાન ડકૈતના રોલમાં છે. ‘ધુરંધર’ની સફળતા સાથે બીજા ભાગની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે, તેમાં ભારતીય ઈન્ટેલિજન્સના એક દાયકાના ઓપરેશન્સને સમાવવામાં આવ્યા છે.
કરાચીની ગુનાખોરી અને પોલિટિકલ અંડરવર્લ્ડમાં ઘૂસીને હાહાકાર મચાવનારા અંડરકવર એજન્ટના રોલમાં રણવીર સિંહ છે. આ ફિલ્મને ફિક્શન વર્ક ગણાવવામાં આવે છે, પરંતુ કંધાર હાઈજેક, ૨૦૦૧માં સંસદ પરનો હુમલો, ૨૦૦૮ મુંબઈ હુમલો અને ઓપરેશન લયારીમાં રોના ઓપરેશનના પ્રસંગોને રજૂ કરવામાં આવ્યા છે.
ફિલ્મમાં ઉઝૈર બલોચનો રોલ કરનાર ડેનિશ પાન્ડોરના જણાવ્યા મુજબ, જુલાઈ ૨૦૨૪થી શૂટિંગ શરૂ થયુ હતું અને ઓક્ટોબર મહિનામાં બંને ભાગનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે. ધારે ૧૬ મહિનાના શૂટિંગમાં કુલ સાત કલાકના ફૂટેજ તૈયાર કર્યા છે. જેના કારણે ધુરંધર ૨માં પોસ્ટપ્રોડક્શન ચાલી રહ્યું છે. ફિલ્મનો બીજો ભાગ ૧૯ માર્ચ, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે અને યશની બિગ બજેટ ફિલ્મ ટોક્સિક સાથે ધુરંધર ૨ની સીધી ટક્કર જોવા મળશે.SS1MS
