Western Times News

Gujarati News

‘છાવા’ અને ‘ધુરંધર’ જેવી થીમને ફોર્મ્યુલામાં ખપાવવાનો પ્રયાસ

મુંબઈ, વિકી કૌશલ અને રણવીર સિંહ માટે ૨૦૨૫નું વર્ષ અત્યંત સફળ રહ્યું છે. ‘છાવા’માં વિકી અને ‘ધુરંધર’માં રણીરના પરફોર્મન્સને વૈશ્વિક સ્તરે પ્રશંસા થયેલી છે. આ વર્ષની સૌથી મોટી હિટમાં સ્થાન મેળવનારી આ બંને ફિલ્મોમાં થીમમાં દેશભક્ત સપૂતોની વીરતાની ગાથા છે.

ઓડિયન્સને આ પ્રકારની ફિલ્મો પસંદ આવી રહી છે ત્યારે હવે દેશભક્તિની થીમને હિટ ફોર્મ્યુલા કહી શકાય ખરી? આ બાબતે વિકી કૌશલે ખુલાસો કર્યાે હતો કે, ‘છાવા’ અને ‘ધુરંધર’ જેવી થીમને ફોર્મ્યુલામાં ખપાવવાનો પ્રયાસ દેશભક્તિની લાગણીના અપમાન સમાન છે. વિકી કૌશલે લક્ષ્મણ ઉટેકરની ‘છાવા’માં છત્રપતિ સંભાજી મહારાજનો રોલ કર્યાે હતો, જ્યારે આદિત્ય ધરની ‘ધુરંધર’માં રણવીર સિંહે ભારતીય ઈન્ટેલિજન્સ એજન્ટ તરીકે કામ કર્યું છે.

આ બંને ફિલ્મો અને વિકી-રણવીરના કેરેક્ટર્સ ઓડિયન્સ તથા ક્રિટિક્સને સરખા પસંદ આવ્યા છે. બંને ફિલ્મોનો સમયગાળો અને કેરેક્ટરમાં ઘણું અંતર છે, પરંતુ રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની લાગણીની ખૂબ સશક્ત અભિવ્યક્તિ થઈ છે. બંને ફિલ્મને વર્લ્ડવાઈડ રૂ.૮૦૦ કરોડથી વધુનું કલેક્શન મળી ચૂક્યું છે ત્યારે વિકી કૌશલને પૂછવામાં આવ્યું હતું કે, દેશભક્તિની થીમ અને નેરેટિવ હવે બોક્સઓફિસ ફોર્મ્યુલાની ગેરંટી બની ચૂક્યા છે? જવાબમાં વિકી કૌશલે કહ્યુ હતું કે, દેશભક્તિને માત્ર ફોર્મ્યુલા કહી શકાય નહીં.

રાષ્ટ્રપ્રેમની લાગણીને ફોર્મ્યુલા કહેવું, તે આ લાગણીનું અપમાન છે. દેશભક્તિ આપણી હકીકત છે અને અમે તેને ફિલ્મો, સાહિત્ય અને સ્પોટ્‌ર્સના માધ્યમથી બતાવતા રહીશું. વધુમાં વિકીએ કહ્યું હતું કે, આપણને દેશની વિવિધતા, વારસા અને હકીકત પર ગર્વ છે તેવું કહીને આપણે આ રીતે ગૌરવભેર દરવાજામાં પગ મૂકી શકીએ છીએ. વૈશ્વિક નકશા પર ભારતને નીડર રીતે રજૂ કરવાની તકમાં નાનો ભાગ ભજવ્યો હોવાનો ગર્વ છે.

શિવાજી સાવંતે લખેલી મરાઠી નવલકથા અને સંભાજી મહારાજે મુગલ બાદશાહ ઔરંગઝેબ સામે આપેલી ૯ વર્ષની લડતના ઐતિહાસિક તથ્યોના આધારે ‘છાવા’ બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં મહારાણી યેસુબાઈ ભોંસલેનો રોલ રશ્મિકા મંદાનાએ કર્યાે હતો, જ્યારે ક્‰ર-ધર્માંધ બાદશાહ ઔરંગઝેના રોલમાં અક્ષય ખન્ના હતો. હાલ દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહેલી ‘ધુરંધર’ની વાત કરીએ તો તે વર્તમાન સમયની સ્થિતિ રજૂ કરતી થ્રિલર છે.

રણવીર સિંહે તેમાં અંડરકવર એજન્ટ હમઝાનો રોલ કર્યાે છે, જે લાયરી અંડરવર્લ્ડમાં ઘૂસ મારી ખતરનાક મિશન પાર પાડે છે. ફિલ્મમાં આતંકવાદ અને પાકિસ્તાનની સાંઠગાંઠ જાહેર કરવામાં આવી છે. અક્ષય ખન્નાએ ફરી એક વાર વિલન તરીકે આ ફિલ્મમાં બાજી મારી લીધી છે. આ ઉપરાંત અર્જુન રામપાલ, સંજય દત્ત, સારા અર્જુન અને રાકેશ બેદી પણ મહત્ત્વના રોલમાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.