અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દબાણ દૂર કરવા ત્રણ દિવસીય નાઈટ ડ્રાઈવ
AI Image
નાઈટ ડ્રાઈવ દરમિયાન 700થી વધુ ફૂડ કાઉન્ટર, હોર્ડિંગ્સ અને પરચુરણ સામાન જપ્ત
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સુગમતા, જાહેર સલામતી અને નાગરિકોની સુવિધા સુનિશ્ચિત કરવા હેતુસર છેલ્લી ત્રણ રાત્રિ દરમિયાન વિવિધ ઝોનમાં વ્યાપક નાઈટ દબાણ વિરોધી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત જાહેર માર્ગો, ફૂટપાથ તેમજ ટ્રાફિકમાં અવરોધરૂપ બનેલા દબાણો દૂર કરવાની સંકલિત કાર્યવાહી હાથ ધરાઈ હતી. છેલ્લી ત્રણ રાત્રિએ પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને મધ્ય ઝોનમાં નાઈટ ડ્રાઈવ યોજાઈ હતી.
પશ્ચિમ ઝોનમાં સરદાર પટેલ નગર, પંચવટી, સી.એન.વિદ્યાલય, પાંજરાપોળ, ઉસ્માનપુરા, એલ.ડી.કોલેજ, સેપ્ટ યુનિવર્સિટી રોડ, વિજય ચાર રસ્તા, સી.જી. રોડ, લો ગાર્ડન, કોમર્સ કોલેજ, નારણપુરા અને આશ્રમ રોડ વિસ્તારમાં રાત્રિના 10.30થી 2 વાગ્યા સુધી કાર્યવાહી કરવામાં આવી.
આ દરમિયાન ફૂડ કાઉન્ટર, ટેબલ-ખુરશી સહિતના દબાણો દૂર કરી લોખંડના કાઉન્ટર/છતવાળી લારીઓ તથા અન્ય પરચુરણ સામાન મળીને કુલ 347 જેટલો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં SG હાઈવે, ઇસ્કોન ચાર રસ્તા, ઝાયડસ ચાર રસ્તા, ગોતા ચાર રસ્તા, ડ્રાઇવ-ઇન રોડ, હિમાલય મોલ, વસ્ત્રાપુર તળાવ, જજીઝ બંગલો રોડ, SP રિંગ રોડથી ભાડજ સર્કલ, સાયન્સ સિટી અને સિંધુ ભવન રોડ, કારગિલથી ગુજરાત હાઈકોર્ટ સુધીનો SG હાઈવે, વસ્ત્રાપુર તળાવ સહિતના વિસ્તારોમાં રાત્રિના 10.30થી 1.30 વાગ્યા સુધી નાઈટ ડ્રાઈવ યોજાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન લોખંડના કાઉન્ટર/છતવાળી અને વાંસવાળી લારીઓ, બોર્ડ-બેનર તથા અન્ય પરચુરણ સામાન મળીને કુલ 335 જેટલો માલ સામાન જપ્ત કરાયો હતો.
ઉત્તર ઝોનમાં મેમ્કોથી કુબેરનગર, હીરાવાડી BRTSથી ઠક્કરબાપાનગર, બાપુનગર એપ્રોચથી ચામુંડાનગર, માછલી સર્કલથી આદર્શનગર, વમની કાંકરીયાથી નરોડા ગામ તેમજ નવા નરોડા રોડ સુધી રાત્રિના 10થી 12.30 વાગ્યા સુધી નાઈટ ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં લોખંડના કાઉન્ટર/છતવાળી લારીઓ સહિત કુલ 43 જેટલો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો. પૂર્વ ઝોનમાં સોનીની ચાલી, વિરાટનગર, કેનાલથી ડામર સર્કલ અને ઓઢવ વિસ્તારમાં સાંજના 6થી રાત્રિના 10 વાગ્યા સુધી કાર્યવાહી કરી લારીઓ,
જાહેરાતના હોર્ડિંગ્સ/બોર્ડ-બેનર, વાંસ/વળી/તાડપત્રી સહિત કુલ 47 જેટલો માલ સામાન જપ્ત કરાયો હતો. મધ્ય ઝોનમાં દરિયાખાના ઘુમ્મટ રોડ, જે.પી. ચોક રોડ, કાલુપુર રેલવે સ્ટેશન રોડ અને સિવિલ હોસ્પિટલ રોડ વિસ્તારમાં રાત્રિના 8થી વહેલી સવારના 3 વાગ્યા સુધી કાર્યવાહી કરી લારીઓ, જાહેરાતના હોર્ડિંગ્સ અને અન્ય પરચુરણ સામાન મળીને કુલ 59 જેટલો માલ સામાન જપ્ત કરાયો તથા જાહેર રસ્તાની બાજુ બનાવેલા ત્રણ કાચા શેડ દૂર કરવામાં આવ્યા હતા.
