સાણંદ પાસે દારૂ ભરેલી ટ્રક પલટી ખાતા બોટલો લૂંટવા લોકોની પડાપડી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક આવેલા મુનિ આશ્રમ રોડ પાસે આજે વિદેશી દારૂ ભરેલી એક ટ્રક પલટી મારી જવાની ઘટના બની હતી. અકસ્માતને પગલે રસ્તા પર દારૂની બોટલો વિખેરાઈ જતા સ્થાનિક લોકોમાં પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાન પાસિંગની એક ટ્રક દારૂનો જથ્થો ભરીને સાણંદના મુનિ આશ્રમ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રક પલટી જતાની સાથે જ અંદર રહેલી દારૂની પેટીઓ અને છૂટી બોટલો રોડ પર વેરવિખેર થઈ ગઈ હતી.રોડ પર દારૂની બોટલો જોઈને આસપાસના લોકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા
અને દારૂની બોટલો મેળવવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. જો કે, આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભીડને દૂર કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને રોડ પર પડેલા મુદ્દામાલનો કબજો મેળવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, ‘આજે સાણંદના મુનિ આશ્રમ રોડ તરફ એક રાજસ્થાન ર્પાસિંગની દારૂ ભરેલી ટ્રક પલટી ગઈ હતી.
પોલીસને જાણ કરાતા કાફલો સ્થળ પર પહોંચી ગયો છે.’ દારૂ ભરેલી ટ્રક કડી તરફથી સાણંદ તરફ આવી રહી હતી. તે દરમિયાન રોડ પર તાજેતરમાં જ બનાવેલા બમ્પ પરથી પસાર થતાં ટ્રક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી ખાઇ જતાં રસ્તા પર દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. હાલમાં મળી રહેલી માહિતી મુજબ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મુદ્દામાલ કબજે કર્યો છે અને દારૂની બોટલો અને મુદ્દામાલની ગણતરી ચાલી રહી છે.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
