Western Times News

Gujarati News

બાંગ્લાદેશને રશિયાની સલાહ: ભારત સાથે તાત્કાલીક સમાધાન કરો

(એજન્સી)નવી દિલ્હી, બાંગ્લાદેશ અત્યારે ગંભીર અસ્થિરતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં લઘુમતીઓ વિરુદ્ધની હિંસા અને ભારત વિરોધી સૂત્રોચ્ચારોએ જોર પકડ્યું છે. આગામી ચૂંટણીઓ પર અનિશ્ચિતતાનું જોખમ તોળાઈ રહ્યું છે

ત્યારે આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે રશિયાએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના તણાવને ઘટાડવા અપીલ કરી છે.બાંગ્લાદેશમાં રશિયાના રાજદૂત અલેક્ઝાન્ડર ગ્રિગોરીવિચ ખોજિને સોમવારે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, ‘ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો તણાવ જેટલી વહેલી તકે ઓછો થાય તેટલું બંને દેશો માટે સારું છે.’ આગામી ૧૨ ફેબ્›આરીએ યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણી પહેલા સુમેળભર્યું વાતાવરણ બને તે માટે તેમણે ‘ભરોસો અને વિશ્વાસ’ કેળવવા પર ભાર મૂક્યો હતો.

જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે રશિયા કોઈના આંતરિક મામલામાં દખલ નથી કરી રહ્યું, પરંતુ પરિસ્થિતિ વધુ ન બગડે તે જોવું સમજદારીભર્યું છે.બાંગ્લાદેશના પૂર્વ મંત્રી મોહિબુલ હસન ચૌધરીએ દેશની ખરાબ હાલત વિશે એક મોટો ખુલાસો કર્યાે છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે, ઢાકા અને ચટગાંવ જેવા મોટા શહેરોમાં જે હિંસા અને અંધાધૂંધી જોવા મળે છે, તેની પાછળ અત્યારની સરકારનો જ હાથ છે.

સરકાર પોતાની સત્તા ટકાવી રાખવા અને ચૂંટણીઓ પાછળ ઠેલવા માટે જાણીજોઈને કેટલાક કટ્ટરપંથી સંગઠનોને ઉશ્કેરી રહી છે જેથી દેશમાં અશાંતિ ફેલાય. તેમણે વધુમાં જણાવ્યું કે, ‘હિઝબ ઉત-તહરિર’ અને ‘શિબિર’ જેવા ઉગ્રવાદી સંગઠનો અત્યારે સોશિયલ મીડિયા અને યુટ્યુબના માધ્યમથી લોકોને ભડકાવવાનું કામ કરી રહ્યા છે, જેના કારણે સામાન્ય જનતાની શાંતિ જોખમાઈ રહી છે.

બાંગ્લાદેશમાં જોવા મળી રહેલી ભારત વિરોધી લાગણીઓ વિશે સ્પષ્ટતા કરતા પૂર્વ મંત્રીએ જણાવ્યું કે, આવા પ્રદર્શનો આખા બાંગ્લાદેશમાં નથી થઈ રહ્યા, પરંતુ તે માત્ર અમુક ચોક્કસ વિસ્તારો પૂરતા જ મર્યાદિત છે.

તેમણે એક ચોંકાવનારો ખુલાસો પણ કર્યાે કે, કટ્ટરપંથીઓ મદરેસાના નિર્દાેષ વિદ્યાર્થીઓને બળજબરીથી આ વિરોધ પ્રદર્શનો અને સરઘસોમાં ખેંચી લાવે છે. આ વિદ્યાર્થીઓને એવી ધમકી આપવામાં આવે છે કે જો તેઓ આ પ્રદર્શનમાં નહીં જોડાય, તો તેમની પાસેથી રહેવા અને જમવાની પાયાની સુવિધાઓ છીનવી લેવામાં આવશે. આમ, મજબૂરીને કારણે આ વિદ્યાર્થીઓએ આવા વિરોધનો હિસ્સો બનવું પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.