રોકાણના નામે રૂ.૯પ.૮પ લાખ પડાવવાના કૌભાંડમાં જામીન ન આપી શકાય: કોર્ટ
(એજન્સી)અમદાવાદ, સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાયેલા લાખો રૂપિયાના રોકાણ કૌભાંડમાં મહત્ત્વની કડી મનાતા આરોપી નિસર્ગ કલ્પેશભાઈ માંડણકાની રેગ્યુલર જામીન અરજી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.
કોર્ટે નોંધ્યું હતું કે, રોકાણના નામે રૂ.૯પ.૮પ લાખ પડાવવાનું કૌભાંડ છે. આરોપીના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડની રકમ જમા થઈ છે અને તેની સામે અન્ય ત્રણ ફરિયાદો પણ નોંધાયેલી હોવાથી તેણે જામીન આપી શકાય નહીં. સાયબર ફ્રોડ કેસમાં ઝડપાયેલ આરોપી નિસર્ગ કલ્પેશભાઈ માંડણકાએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી.
જેમાં તેના વકીલે એવી રજૂઆત કરી હતી કે, તેનું નામ એફઆઈઆરમાં નથી અને તેણે ફરિયાદી સાથે કોઈ છેતરપિંડી આચરી નથી. ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે. આ જ ગુનાના સહ આરોપી અક્ષયને જામીન મળ્યા હોવાથી પેરિટીના ધોરણે જામીન આપવા માંગણી કરાઈ હતી.
જો કે, મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, ભેજાબાજોએ ટ-ટયુબ પર ઈન્વેસ્ટમેન્ટ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મૂકી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ ફરિયાદીને ર૦૦%થી ૯૦૦% સુધીના માતબર નફાની લાલચ આપી હતી.
વિશ્વાસ કેળવવા માટે કંપનીના બનાવટી લોગો અને સિક્કાવાળા લેટરની પીડીએફ પણ મોકલવામાં આવી હતી ત્યાબાદ એક નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં ટ્રેડિંગના બહાને ફરિયાદી પાસેથી અલગ અલગ ચાર્જિસ અને ટેકસના નામે ટુકડે ટુકડે કુલ રૂ.૯પ,૮પ,૦૦૦ પડાવી લેવામાં આવ્યા હતા.
આરોપી નિસર્ગના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના રૂ.૧.૬૦ લાખ સેકન્ડ લેયરમાં જમા થયા છે જે તેણે ચેકથી ઉપાડી લીધા હતા. વધુમાં સાયબર ફ્રોડ પોર્ટલ પર આ આરોપી વિરૂદ્ધ અન્ય ત્રણ ફરિયાદો પણ નોંધાયેલી છે. ત્યારે આરોપીને જામીન પર મુક્ત ન કરવો જોઈએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા છે.
