મહેસાણામાં આધેડ ઉપર જીવલેણ હુમલાના આરોપીને ૭ વર્ષની સજા
મહેસાણા, મહેસાણાના પરા નજીક આધેડ ઉપર જીવલેણ હુમલાના કેસમાં આરોપીને મહેસાણા સેશન્સ કોર્ટે ૭ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ.૩૦ હજારનો દંડ ફટકાર્યાે હતો.મહેસાણાના ધોબીઘાટ રોડ પર સર્વમંગલ સોસાયટીમાં રહેતા કમલેશજી નથાજી ઠાકોર (ઉં.વ.૫૩) તા.૨૬-૧૧-૨૦ના રાત્રે આઠેક વાગ્યે પરા લાયબ્રેરી સામે પીકઅપ સ્ટેન્ડે બેઠા હતા ત્યારે મેહુલ મકવાણા તથા સન્ની જૈન એક સફેદ રંગની ઈકો ગાડીમાં ત્યાં આવ્યા હતા.
કમલેશજીને અગાઉ મેહુલ સાથે મારામારી થઈ હતી ત્યારે તેણે પિતા-પુત્ર સામે એટ્રોસિટીની ફરિયાદ આપી હતી. જેથી મેહુલે તમે કેમ સમાધાન માટે દબાણ કરો છો? કહીંને કમલેશજીના માથામાં ડાબી બાજુએ ધારિયું મારી દેતાં તેઓ નીચે પડી ગયા હતા. ત્યાર બાદ મેહુલે તેમના ખભા ઉપર અને જમણા પગ ઉપર ઢીંચણના ભાગે ધારિયું માર્યું હતું. સન્ની જૈન તેને ઉશ્કેરી રહ્યો હતો. બુમાબુમ થતાં લોકો એકઠા થઈ ગયા હતા અને બંને જણા ઈકોમાં નાસી ગયા હતા.
ગંભીર ઈજાગ્રસ્ત કમલેજીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ જીવલેણ હુમલા અંગે મેહુલ રમેશભાઈ મકવાણા (વાલ્મિકી) (રહે.રેલનગર સોસા., દૂધસાગર ડેરી પાછળ), દિપેશ ઉર્ફે સન્ની શૈલેષકુમાર જૈન અને ઈકોના ચાલક સામે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ કેસમાં સરકારી વકીલ ભરતકુમાર જી. પટેલે ૪૦ પુરાવા રજૂ કર્યા હતા અને ૩૧ સાક્ષી તપાસી દલીલો કરી હતી.
જે દલીલો અને પુરાવા ધ્યાને લઈ મહેસાણાના સેશન્સ જજ એ.એલ.વ્યાસે આરોપી મેહુલ મકવાણાને આઈપીસીની કલમ ૩૦૭માં ૭ વર્ષ સખત કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦ દંડ, કલમ ૨૦૧માં ૩ વર્ષની સજા તથા રૂ.૧૦,૦૦૦ દંડ અને કલમ ૩૨૪માં ૩ વર્ષની સજા અને રૂ.૧૦,૦૦૦ દંડ ફટકાર્યાે હતો.SS1MS
