Western Times News

Gujarati News

‘ભારત સાથે ખરાબ સંબંધો નથી જોઈતા’: સલેહુદ્દીન અહેમદ

ઢાકા, બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા, હિન્દુઓની હત્યા અને ભારત-વિરોધી જુવાળ વચ્ચે, હવે બાંગ્લાદેશના સૂર બદલાતા જોવા મળી રહ્યા છે. વચગાળાની સરકારના નાણાકીય સલાહકાર સલેહુદ્દીન અહેમદે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે, ‘મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસ ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધોને સુધારવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યા છે.’

તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનું શાસન આર્થિક હિતોને રાજકીય બયાનબાજીથી અલગ રાખીને ભારત સાથે મજબૂત આર્થિક સંબંધો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

સરકારી ખરીદી પરની સલાહકાર પરિષદની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા, સલેહુદ્દીન અહેમદે કહ્યું, ‘મુખ્ય સલાહકાર ભારત સાથેના રાજદ્વારી સંબંધોને બહેતર બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે.

તેમણે આ સંબંધમાં ઘણા સંબંધિત પક્ષો સાથે ચર્ચા પણ કરી છે.’ જોકે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું યુનુસે ભારતના અધિકારીઓ સાથે સીધી વાત કરી છે, ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે, એવું થયું નથી, પરંતુ તેમણે આ મુદ્દા સાથે જોડાયેલા લોકોનો સંપર્ક કર્યાે છે.વ્યાપાર નીતિ રાજકીય વિચારોથી પ્રભાવિત નથીઅહેમદે ભારપૂર્વક જણાવ્યું કે, ‘અમારી વ્યાપાર નીતિ રાજકીય વિચારોથી પ્રભાવિત નથી થતી.

જો ભારતથી ચોખાની આયાત કરવી વિયેતનામ કે અન્ય જગ્યાઓ કરતાં સસ્તી પડે, તો આર્થિક દ્રષ્ટિએ ભારતથી જ ખરીદવું યોગ્ય રહેશે.’ તેમણે આ વાત પર ભાર મૂક્યો કે બાંગ્લાદેશે મંગળવારે જ ભારત પાસેથી ૫૦,૦૦૦ ટન ચોખા ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેને તેમણે ‘સારા સંબંધો બનાવવાની દિશામાં એક પગલું’ ગણાવ્યું હતું.બાંગ્લાદેશના નાણાકીય સલાહકારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ૧૯૭૧માં પાકિસ્તાનથી આઝાદી મળ્યા બાદ ઢાકા અને નવી દિલ્હીના સંબંધો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે.

જોકે, સલેહુદ્દીન અહેમદે પરિસ્થિતિને એટલી ગંભીર ન ગણાવતા કહ્યું, ‘બહારથી એવું લાગી શકે છે કે ઘણું બધું થઈ રહ્યું છે, પરંતુ સ્થિતિ એટલી ખરાબ નથી.’અહેમદે સ્વીકાર્યું કે કેટલાક નિવેદનોને નજરઅંદાજ કરવા મુશ્કેલ છે, પરંતુ તે રાષ્ટ્રીય ભાવનાનું પ્રતિનિધિત્વ નથી કરતા.

બાહ્ય શક્તિઓ દ્વારા ભારત-વિરોધી ભાવનાઓ ભડકાવવાની આશંકા પર તેમણે કહ્યું, ‘અમે બંને દેશો વચ્ચે કોઈપણ પ્રકારની કડવાશ નથી ઈચ્છતા. જો કોઈ બાહ્ય શક્તિ સમસ્યાઓ ઉભી કરવાનો પ્રયાસ કરી રહી છે, તો તે કોઈપણ દેશના હિતમાં નથી.’ તેમણે પુનરોચ્ચાર કર્યાે કે વચગાળાની સરકારનો ઈરાદો બંને પડોશીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવાનો છે અને આર્થિક નિર્ણયો સંપૂર્ણપણે રાષ્ટ્રીય હિત પર આધારિત રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.