અમારી મિસાઈલો દૂર નથીઃ કામરાન સઈદ ઉસ્માનીએ આપી ભારતને ધમકી
જો ભારત ઢાકા પર હુમલો કરશે તો પાકિસ્તાન પોતાની તમામ સૈન્ય શક્તિ સાથે બાંગ્લાદેશની વહારે આવશે-શાહબાઝની પાર્ટીના નેતાએ ભારતને આપી પોકળ ધમકી
ઢાકા, બાંગ્લાદેશ અત્યારે મોહમ્મદ યુનુસના શાસન હેઠળ પ્રગતિ કરવાને બદલે પતન તરફ જઈ રહ્યું છે અને ધીમે-ધીમે પાકિસ્તાનના પ્રભાવ હેઠળ આવી રહ્યું છે. જે પાકિસ્તાની અત્યાચારો સામે ભારતે બાંગ્લાદેશને રક્ષણ આપ્યું હતું, આજે તે જ પાકિસ્તાન બાંગ્લાદેશની સુરક્ષાના બહાને ભારતને આંખ બતાવી રહ્યું છે.
પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફની પાર્ટીના નેતા કામરાન સઈદ ઉસ્માનીએ એક વીડિયો દ્વારા ભારતને ગંભીર ધમકી આપતા કહ્યું કે, જો ભારત ઢાકા પર હુમલો કરશે તો પાકિસ્તાન પોતાની તમામ સૈન્ય શક્તિ સાથે બાંગ્લાદેશની વહારે આવશે. ઉસ્માનીએ આ વીડિયોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના જૂના સંઘર્ષોનો ઉલ્લેખ કરીને બંને દેશોના ઝંડા સાથે ભારત વિરોધી પ્રચાર કર્યો છે.
વીડિયોમાં કામરાન સઈદ ઉસ્માની ભારતને ધમકી આપતા સાંભળી શકાય છે. તેણે કહ્યું કે, આજે હું એક રાજનેતા તરીકે નહીં, પણ એક એવા વ્યક્તિ તરીકે વાત કરી રહ્યો છું જે બાંગ્લાદેશની ધરતી, તેના ઈતિહાસ, કુરબાની અને હિંમતને સલામ કરે છે. મેં જ્યારે ૨૦૨૧માં આ અભિયાન શરૂ કર્યું હતું ત્યારે મારી સાથે કોઈ નહોતું. પણ આજે અલ્હમદુલીલ્લાહ બાંગ્લાદેશ અને પાકિસ્તાન એકસાથે ઊભા છે.
આજે હું કોઈ રાજકીય નિવેદન નહીં આપું, પણ ઉસ્માના(એક વિચારધારા) વિશે વાત કરીશ. જે એક વિચાર હતો, એક હિંમતભર્યો અવાજ હતો. જે કહેતો હતો કે બાંગ્લાદેશને હું કોઈ દેશની કોલોની(વસાહત) નહીં બનવા દઉં. હું બાંગ્લાદેશમાં કોઈની પણ દાદાગીરી સ્વીકારીશ નહીં.
ઉસ્માનીએ કહ્યું કે, આ વિસ્તારની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે પણ કોઈ મુસ્લિમ યુવાન બેઠો થાય છે અને પ્રભાવશાળી અવાજ બને છે, ત્યારે તેને દબાવી દેવામાં આવે છે. આ જે ભારતીય રાજનેતાઓ બેઠા છે, તેઓ પ્રજાનું લોહી ચૂસવા માટે તેમને ક્્યારેય ગુલામીમાંથી આઝાદ કરવા માંગતા નથી. પછી ભલે તે બાંગ્લાદેશનું પાણી બંધ કરવાની વાત હોય, કે પછી ફિતના-એ-ખ્વારિજના નામે મુસ્લિમોને અંદરોઅંદર લડાવવાની વાત હોય.
મુસ્લિમો હવે તેમની આ સાજિશને બહુ સારી રીતે સમજી ગયા છે. હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશનું દરેક બાળક ઉસ્માન હાદી છે. તમે ઉસ્માન હાદીને તો શહીદ કરી દીધો, પણ તેના વિચારોને શહીદ કરી શક્્યા નથી.
કામરાન સઈદે આગળ ઝેર ઓકતા કહ્યું કે, આજે બાંગ્લાદેશની જનતા ભારતને સંપૂર્ણપણે નકારી ચૂકી છે. હું મારા બાંગ્લાદેશી ભાઈ-બહેનોને કહેવા માંગુ છું કે અમે તમારી સાથે ઉભા છીએ.
જો કોઈ દેશ બાંગ્લાદેશ પર દબાણ લાવવાની કોશિશ કરશે અથવા બાંગ્લાદેશ પર હુમલો કરવાનો પ્રયાસ કરશે, તો પાકિસ્તાનની જનતા તમારી પડખે ઉભી રહેશે. પાકિસ્તાની સેના અને અમારી મિસાઈલો તમારાથી દૂર નથી. કામરાને મોટી-મોટી વાતો કરતા એમ પણ કહ્યું કે, ઓપરેશન બુન્યાન અલ મરસૂસ દ્વારા અમે તમને જે રીતે નાકે દમ લાવી દીધો હતો, તેવું ફરીથી કરીશું.
