દુષ્કર્મના આરોપીને જામીન મળતાં પીડિતાની બહેનનું દર્દ છલકાયું
ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની સજા દિલ્હી હાઈકોર્ટે મોકૂફ રાખી જામીન મંજૂર કર્યા
નવી દિલ્હી, ઉન્નાવ દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની સજા દિલ્હી હાઈકોર્ટે મોકૂફ રાખી જામીન મંજૂર કર્યા છે. આ સમાચાર બહાર આવતા જ પીડિતાની બહેનનું દર્દ છલકાઈ ગયું હતું. તેણે ભયભીત થઈને કહ્યું કે, સેંગરે પહેલા મારા મોટા પપ્પાને માર્યા, પછી મારા પિતાની હત્યા કરાવી અને મારી બહેન સાથે અત્યાચાર કર્યો. હવે તે બહાર આવશે તો મને અને મારા આખા પરિવારને મારી નાખશે.
પીડિતાની બહેને રડતા રડતા પોતાની સુરક્ષા અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેણે કહ્યું કે, અમે પહેલા જ ઘણું બધું ગુમાવી ચૂક્્યા છીએ. જો તેને(સેંગરને) બહાર જ રાખવો હોય તો અમને જેલમાં પૂરી દો, જેથી ઓછામાં ઓછું અમે જીવતા તો રહી શકીએ. ઘરમાં નાના બાળકો છે અને દરેક પળ એવો ડર લાગે છે કે ક્્યાંક કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટી જાય.
પરિવારનો આરોપ છે કે કુલદીપ સેંગરના માણસો હજુ પણ ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે અને કહે છે કે, હવે સેંગર પાછો આવી રહ્યો છે, તમે અમારું શું કરી લેશો? અમે બધાને ખતમ કરી નાખીશું. જામીનના આદેશ બાદ આ ધમકીઓનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે પરિવાર ભારે દહેશતમાં છે.
દિલ્હી હાઈકોર્ટના આ નિર્ણય સામે પીડિતા, તેની માતા અને સામાજિક કાર્યકર યોગિતા ભાયનાએ ઇન્ડિયા ગેટ પાસે શાંતિપૂર્ણ ધરણા કર્યા હતા. પીડિતાની માતાએ જણાવ્યું કે વર્ષોના સંઘર્ષ બાદ જે ન્યાય મળ્યો હતો, તે હવે છીનવાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જોકે, દિલ્હી પોલીસે તુરંત જ તેમને પ્રદર્શન સ્થળ પરથી હટાવી દીધા હતા.
દિલ્હી હાઈકોર્ટે કુલદીપ સિંહ સેંગરની સજા મોકૂફ રાખતા તેને ૧૫ લાખ રૂપિયાના અંગત લેખિત બાંહેધરી પત્ર પર અને એટલી જ રકમના જામીનદારની શરતે જામીન મંજૂર કર્યા છે.
જોકે, અદાલતે આ જામીન સાથે કેટલીક અત્યંત કડક શરતો પણ જોડી છે, જેથી પીડિતા અને તેના પરિવારની સુરક્ષા જળવાઈ રહે. કોર્ટના આદેશ મુજબ, સેંગર પીડિતા અથવા તેના પરિવારના રહેઠાણના ૫ કિલોમીટરના વિસ્તારમાં જઈ શકશે નહીં અને જામીનની સમગ્ર અવધિ દરમિયાન તેણે દિલ્હીમાં જ રહેવું પડશે.
આ ઉપરાંત, તેને દર સોમવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવી અનિવાર્ય રહેશે. કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે, સેંગરે પોતાનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવો પડશે અને તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પીડિતા કે તેના પરિવારને કોઈ પણ પ્રકારની ધમકી આપી શકશે નહીં, જો આમાંથી કોઈ પણ શરતનો ભંગ થશે, તો તેના જામીન તાત્કાલિક રદ કરવામાં આવશે.
મહત્ત્વની વાત એ છે કે, દુષ્કર્મ કેસમાં સજા મોકૂફ રાખવામાં આવી હોવા છતાં કુલદીપ સેંગરની તાત્કાલિક મુક્તિ શક્્ય નથી. કારણ કે તે પીડિતાના પિતાની હત્યાના કેસમાં પણ દોષિત ઠરેલ છે અને તેમાં ૧૦ વર્ષની જેલની સજા કાપી રહ્યો છે. જોકે, આજીવન કેદની સજામાં મળેલ આ રાહત પીડિતાના પરિવાર માટે ચિંતાનો મોટો વિષય બની છે.
