Western Times News

Gujarati News

કર્ણાટકમાં ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર: ૧૭ લોકો જીવતા બળીને ખાખ

ચિત્રદુર્ગ, કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયૂર તાલુકામાં આજે (ગુરુવારે) સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થયાની આશંકા છે. આ દુર્ઘટના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮ પર ગોરલાથુ ક્રોસ પાસે ત્યારે બની જ્યારે એક સ્લીપર બસ અને સામેથી આવતી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ. ટક્કર એટલી ભીષણ હતી કે બસમાં તરત જ આગ ફાટી નીકળી હતી, જેમાં ઘણા મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, હિરિયૂરથી બેંગલુરુ તરફ જઈ રહેલી એક ટ્રકના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા તે ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. તે જ સમયે, બેંગલુરુથી શિવમોગ્ગા જઈ રહેલી સ્લીપર બસ સાથે ટ્રકની સામસામે ટક્કર થઈ હતી.

ટક્કર એટલી પ્રચંડ હતી કે સ્લીપર કોચ બસ જોતજોતામાં આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી અને રસ્તાની વચ્ચે જ ધડધડ કરીને સળગવા લાગી હતી.અકસ્માત બાદ બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે બચાવ અને રાહત કાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, કેટલાક મુસાફરો કોઈક રીતે બસમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ટ્રકના ડ્રાઈવર સહિત ૧૭ લોકો આગમાં જીવતા બળીને મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે. જોકે, પોલીસે કહ્યું કે મૃતકોનો સત્તાવાર આંકડો ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકની બેદરકારીને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ચિત્રદુર્ગના પોલીસ અધિક્ષક રંજીતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને તેઓ પોતે તપાસની દેખરેખ રાખી રહ્યા છે.

આ મામલે હિરિયૂર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે. આ ભયાનક દુર્ઘટનાને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮ ના આ વ્યસ્ત માર્ગ પર ઘણા કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. બચાવ કાર્ય પૂર્ણ થયા બાદ અને બળી ગયેલી બસને રસ્તા પરથી હટાવ્યા પછી ધીમે ધીમે વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.