ઈયુ અને જર્મની અમેરિકા પર અચાનક જ ભડક્યાં
નવી દિલ્હી, અમેરિકાના વિદેશ મંત્રી માર્કાે રુબિયોએ મંગળવારે એક ચોંકાવનારી જાહેરાત કરતા પાંચ પ્રમુખ યુરોપિયન નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રમ્પ પ્રશાસનનો આરોપ છે કે આ વ્યક્તિઓ ઓનલાઇન સેન્સરશિપ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવાની પ્રવૃત્તિઓમાં સામેલ છે. અમેરિકાના આ પગલાથી યુરોપિયન દેશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અમેરિકા દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલા પાંચ મુખ્ય યુરોપિયન નાગરિકોમાં સૌથી મોટું અને ચર્ચિત નામ યુરોપિયન કમિશનના પૂર્વ સભ્ય થિયરી બ્રેટનનું છે, જેમને યુરોપના વિવાદાસ્પદ ‘ડિજિટલ સર્વિસ એક્ટ’ના મુખ્ય સૂત્રધાર અથવા ‘માસ્ટરમાઇન્ડ’ માનવામાં આવે છે.
બ્રેટન ઉપરાંત, આ યાદીમાં ઓનલાઇન કન્ટેન્ટ પર નજર રાખતી સંસ્થાઓના પ્રમુખ ચહેરાઓનો સમાવેશ થાય છે, જેમાં ‘સેન્ટર ફોર કાઉન્ટરિંગ ડિજિટલ હેટ’ના સીઈઓ ઇમરાન અહેમદ, જર્મન સંગઠન ‘હેટએડ’ના વડા જોસેફિન બેલન અને તેના મુખ્ય સભ્ય અન્ના-લેના વાન હોડેનબર્ગ, તેમજ ‘ગ્લોબલ ડિસઇન્ફોર્મેશન ઇન્ડેક્સ’નું સંચાલન કરતા ક્લેયર મેલફોર્ડ સામેલ છે.
ટ્રમ્પ પ્રશાસન આ તમામ વ્યક્તિઓને અમેરિકામાં સુરક્ષિત અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સેન્સરશિપ લાદવા માટે જવાબદાર માને છે.અમેરિકાના વિદેશ મંત્રી માર્કાે રુબિયોએ આ લોકોને ‘કટ્ટરપંથી કાર્યકર્તા’ ગણાવ્યા છે. આ નિર્ણય પાછળ મે મહિનામાં જાહેર કરાયેલી નવી વિઝા નીતિ જવાબદાર છે.
આ નીતિ મુજબ, જો કોઈ વિદેશી નાગરિક અમેરિકામાં સુરક્ષિત એવી ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ પર સેન્સરશિપ લાદવા માટે જવાબદાર જણાશે, તો તેના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
‘જે ઓફલાઇન ગેરકાયદેસર છે, તે ઓનલાઇન પણ ગેરકાયદેસર હોવું જોઈએ’ – આ સૂત્ર હેઠળ યુરોપિયન દેશોએ ટેક કંપનીઓ પર કડક નિયમો લાદ્યા હતા, જેને અમેરિકા હવે સેન્સરશિપ ગણાવી રહ્યું છે.આ વિવાદના મૂળમાં ઇલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ છે. આ મહિનાની શરૂઆતમાં બ્રસેલ્સ દ્વારા ઓનલાઇન કન્ટેન્ટના નિયમોના ઉલ્લંઘન બદલ એક્સ પર ૧૨૦ મિલિયન યુરોનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આનાથી ટ્રમ્પ પ્રશાસન નારાજ થયું હતું.
મસ્ક અને થિયરી બ્રેટન વચ્ચે અગાઉ પણ સોશિયલ મીડિયા પર તીખી ચર્ચાઓ થઈ ચૂકી છે, જેમાં મસ્કે બ્રેટનને ‘યુરોપના સરમુખત્યાર’ કહ્યા હતા.અમેરિકાના આ આકરા વલણ સામે જર્મની, ળાન્સ અને યુરોપિયન યુનિયને એકસૂરે આકરી નિંદા વ્યક્ત કરી છે.
જર્મન ન્યાય મંત્રાલયે આ વિઝા પ્રતિબંધોને સંપૂર્ણપણે ‘અસ્વીકાર્ય’ ગણાવ્યા છે, જ્યારે ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બેરોટે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ પ્રતિબંધો અતાર્કિક છે અને અમેરિકાની આ કાર્યવાહી સીધી રીતે લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ જાય છે.
બીજી તરફ, યુરોપિયન યુનિયનના મુખ્ય મથક બ્રસેલ્સથી પણ કડક ચેતવણી આપવામાં આવી છે કે તેઓ આ ‘અયોગ્ય પગલાં’ સામે મૌન નહીં રહે અને તેની સામે અત્યંત ઝડપથી તથા નિર્ણાયક રીતે વળતો જવાબ આપશે.SS1MS
