કેનેડામાં ૩૦ વર્ષીય ભારતીય મહિલા હિમાંશી ખુરાનાની હત્યા
ટોરોન્ટો, કેનેડાના ટોરોન્ટોમાં ગત સપ્તાહે ભારતીય મહિલા હિમાંશી ખુરાના(૩૦)ની હત્યા થઈ હતી. આ મામલામાં પોલીસે ૩૨ વર્ષીય અબ્દુલ ગફૂરીની સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરના આક્ષેપમાં સર્ચ વોરંટ ઈશ્યૂ કર્યું છે. તપાસ અધિકારીઓના કહેવા અનુસાર, અબ્દુલ ગફૂરી ટોરોન્ટોનો રહેવાસી છે અને તે હિમાંશીનો બોયફ્રેન્ડ છે.
જોકે, હાલ આરોપી ગફૂરી ફરાર થઈ ગયો છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. ટોરોન્ટો પોલીસે જણાવ્યું છે કે ૧૯મી ડિસેમ્બરની રાતે સ્ટેચન એવેન્યુ અને વેલિંગ્ટન સ્ટ્રીટ વેસ્ટ એરિયામાં એક ગાયબ વ્યક્તિ સંબંધિત કોલ આવ્યો હતો. તેના બીજા દિવસે ૨૦મી ડિસેમ્બરની સવારે લગભગ ૬-૩૦ કલાકે પોલીસને ગાયબ મહિલા એક ઘરમાંથી મૃત હાલતમાં મળી આવી હતી.
આરોપી અને મૃતક મહિલા એકબીજાને જાણતા હતા. પોલીસના જણાવ્યા મુજબ, મૃતક મહિલાની ઓળખ હિમાંશી ખુરાના તરીકે થઈ છે અને તેણી ટોરોન્ટોમાં રહેતી હતી. મહિલા ગાયબ થયાની ફરિયાદ પછી પોલીસે તપાસ શરુ કરી હતી. ત્યાર પછી શનિવારે મહિલાની લાશ એક ઘરમાંથી મળી છે.
આ મોતને હત્યા માનીને પોલીસે તપાસ શરુ કરી છે. હવે સમગ્ર ઘટનાક્રમના મુખ્ય આરોપી અબ્દુલ ગફૂરીની શોધખોળ કરવામાં આવી રહી છે.પોલીસના શંકા છે કે આ મામલો ઘરેલું હિંસા સાથે જોડાયેલો છે.
આરોપી અને પીડિત રિલેશનશિપમાં હતા. આ મામલામાં ટોરોન્ટો સ્થિત ભારતીય દૂતાવાસે મહિલાની હત્યા પર ઊંડા શોકની અને દુખની લાગણી વ્યક્ત કરી છે. આ સાથે દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ મામલામાં અમે સ્થાનિક વહીવટી તંત્ર અને પીડિત મહિલાના પરિવારના સંપર્કમાં છીએ.SS1MS
