પ્રેમલગ્ન બાદ સમાધાન કરવા માટે જમાઈને બોલાવી દીકરીનું અપહરણ
ભાવનગર, ભાવનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું તેના જ પિયર પક્ષ દ્વારા અપહરણ કરી લેવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે. સમાધાન કરવાના બહાને જમાઈ અને તેના પરિવારને જમવા તેડાવી પૂર્વ આયોજિત કાવતરા મુજબ હુમલો કરવામાં આવ્યો હતો.
યુવતીના પિતા અને અન્ય સંબંધીઓએ જમાઈને બેફામ માર મારી યુવતીને બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. આ મામલે યુવકે સાત શખ્સો વિરુદ્ધ મારપીટ અને અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રસનાળ ગામના ૨૪ વર્ષીય યશ હિતેશભાઈ ઉપાધ્યાયે ભાવનગરની પિયા મોરડીયા સાથે ગત ૨૩ નવેમ્બરના રોજ પ્રેમલગ્ન કર્યા હતા. પિયાના પિતા પર્વતભાઈ મોરડીયા આ લગ્નથી નારાજ હતા, પરંતુ સમાધાન કરવાના બહાને તેમણે યશ અને તેના પરિવારને ભાવનગર જમવા માટે આમંત્રણ આપ્યું હતું.
૨૩ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ યશ તેના માતા-પિતા અને પત્ની પિયા સાથે સસરાના ઘરે પહોંચ્યો હતો.સસરાના ઘરે પહોંચતા જ ત્યાં હાજર પિતા, માસા, ફુઆ અને મામા સહિતના શખ્સોએ ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. યશ તથા તેના પરિવાર પર હુમલો કર્યાે હતો. પિયાના સંબંધીઓ તેને બળજબરીથી ખેંચીને કાર અપહરણ કરી નાસી છૂટ્યા હતા.SS1MS
