સુરતમાં ડે. ચીફ ફાયર ઓફિસર એક લાખની લાંચ લેતાં ઝડપાયા
સુરત, સુરત એસીબીએ એક જ દિવસમાં બે સરકારી લાંચિયા અધિકારીઓને ઝડપી પાડયા છે. પહેલાં ઉધના મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસરને ૧૦ હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડયા હતા. બીજા કેસમાં ઉધના અને લિંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
એક જાગૃત નાગરિકે પોતાની હોટલ માટે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હતી. આ એનઓસી આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં વર્ગ-૩ અધિકારી ઇશ્વર પટેલે રૂપિયા ૧ લાખની લાંચની માગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા માગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યાે હતો.
એસીબીએ ચોકબજાર સ્થિત મુગલીસરા ફાયર સ્ટેશનના પહેલા માળે આવેલી ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં જ છટકું ગોઠવી ૧ લાખની રકમ સ્વીકારી કે તરત જ એસીબીએ તેમને દબોચી લીધા હતા. આરોપી ઇશ્વર પટેલ (ઉ.વ. ૪૮) સુરત મહાનગરપાલિકામાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે કાર્યરત છે અને તેમની પાસે ઉધના ઝોન એ-બી તથા લિંબાયત ઝોનનો વધારાનો હવાલો હતો.
ઉધના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર ડાભીએ જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવાના કામનાં ૧૦,૦૦૦ની લાંચલેવા જતા જ એસીબીએ રંગે હાથ ઝડપી લીધો હતો.SS1MS
