અમદાવાદના એસ.જી હાઈવે પર ડમ્પરની અડફેટે કારનો કચ્ચરઘાણ
અમદાવાદ, અમદાવાદ શહેરનો સૌથી વ્યસ્ત ગણાતો એસ.જી. હાઈવે ફરી એકવાર લોહીલુહાણ થતા રહી ગયો છે. મોડી રાત્રે રાજપથ ક્લબ પાસે એક બેફામ ડમ્પરે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર રોડના ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જોકે, સદભાગ્યે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે.મોડી રાત્રે પકવાન ચાર રસ્તાથી ઇસ્કોન બ્રિજ તરફ જઈ રહેલા એક ડમ્પર ચાલકે પોતાની ગતિ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને આગળ જઈ રહેલી પેસેન્જર કારને ફંગોળી દીધી હતી. અકસ્માત બાદ કારના ફુરચા ઉડી ગયા હતા અને વાહનને વ્યાપક નુકસાન થયું હતું.
ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત પોલીસનું વલણ રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઘટના સ્થળે પોલીસની હાજરી હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા એવું ગાણું ગાવામાં આવ્યું કે ‘અમને હજુ સુધી કોઈ વર્ધી (સત્તાવાર જાણ) મળી નથી.’ઇસ્કોન બ્રિજ પર અગાઉ થયેલા તથ્યકાંડ જેવી જ સ્થિતિ અહીં સર્જા હતી.
જો પાછળથી કોઈ અન્ય વાહન ટોળામાં ઘૂસી ગયું હોત, તો મોટી જાનહાનિ થઈ શકી હોત. શું પોલીસ કોઈ મોટો કાંડ થાય તેની જ રાહ જોઈ રહી છે? ‘વર્ધી’ નથી મળી તેમ કહીને પોલીસ પોતાની જવાબદારીમાંથી છટકી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
શહેરમાં રાત્રિના સમયે ડમ્પર ચાલકો જાણે કાયદાનો ડર ભૂલી ગયા હોય તેમ બેફામ ગતિએ વાહનો હંકારે છે. આ કિસ્સામાં હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, જે પોલીસની ઢીલી નીતિ સ્પષ્ટ કરે છે. સ્થાનિક વાહનચાલકોમાં રોષ છે કે જો એસ.જી. હાઈવે જેવા હાઈ-પ્રોફાઈલ રોડ પર પોલીસ આટલી બેદરકાર હોય, તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું?SS1MS
