બંધ વીમા પોલિસી ફરી શરૂ કરવાનું કહી ગઠિયાએ વેપારીને ૨૩ લાખનો ચૂનો લગાવ્યો
અમદાવાદ, સાયબર માફિયા જુદી જુદી મોડેસ ઓપરેન્ડીથી લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે ત્યારે જ બંધ થયેલી લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ફરી શરૂ કરાવી આપવાના બહાને સાયબર ગઠિયાઓએ વેપારી પાસેથી ત્રણ વર્ષમાં ૨૩ લાખ રૂપિયાથી વધુની ઠગાઈ કર્યાનો ચોંકાવનારો કિસ્સો ખૂલ્યો છે, સાયબર માફિયાએ ૩ વર્ષમાં ૨૧૯ ટ્રાન્જેક્શનમાં આટલી રકમ પડાવી હતી. આ મામલે વેપારીએ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે.
નરોડામાં રહેતા અમરસિંહ વાઘેલા નરોડા જીઆઇડીસીમાં ગ્રાઇન્ડિંગ પોલિશિંગનો વ્યવસાય કરે છે. તેમણે વર્ષ ૨૦૧૯માં એક્સાઇડ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીની હેલ્થ વીમા પોલિસી લીધી હતી.
જોકે, વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન કોરોના લોકડાઉનને કારણે તેઓ વાર્ષિક પ્રીમિયમ ભરી શક્યા નહોતા, જેના કારણે પોલિસી બંધ થઈ ગઈ હતી.ઓગસ્ટ ૨૦૨૨માં અમરસિંહને હિમાંશુ રાજપૂત નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે પોતાની ઓળખ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના કર્મચારી તરીકે આપી હતી.
તેણે જણાવ્યું હતું કે પ્રીમિયમ ન ભરવાના કારણે પોલિસી બંધ થઈ ગઈ છે, પરંતુ જો બે વર્ષનું પ્રીમિયમ ૪૮,૦૦૦ રૂપિયા અને દંડના ૮,૦૦૦ રૂપિયા મળી કુલ ૫૬,૦૦૦ રૂપિયા ભરવામાં આવશે તો પોલિસી ફરી શરૂ થઈ જશે અને ૨૦૨૫ સુધીમાં ૧૦ લાખ રૂપિયાનો લાભ મળશે. ગઠિયાઓની વાતમાં આવીને અમરસિંહે શરૂઆતમાં એક રૂપિયો અને ત્યારબાદ ૫૬,૦૦૦ રૂપિયા યુપીઆઈ મારફતે ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારબાદ ફોન કરનારાએ અન્ય ત્રણ વ્યક્તિઓને કંપનીના અધિકારી હોવાનું કહી તેમના નંબર અને યુપીઆઈડી આપ્યા હતા. દરેક વખતમાં પહેલા એક-એક રૂપિયો ટ્રાન્સફર કરાવી વિશ્વાસ જીતવામાં આવ્યો હતો.આ રીતે જુદી જુદી ઓફર અને પ્રીમિયમના બહાને ઓગસ્ટ ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૫ દરમિયાન કુલ ૨૧૯ ટ્રાન્ઝેક્શન દ્વારા ૨૩.૦૮ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા.
આટલી મોટી રકમ ચુકવ્યા છતાં ન તો કોઈ રસીદ આપવામાં આવી, ન તો પોલિસીનો કોઈ લાભ મળ્યો. અંતે પોતે ઠગાઈનો શિકાર બન્યા હોવાનું સમજાતા અમરસિંહે ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.SS1MS
