Western Times News

Gujarati News

પહેલાં રણવીરે ડોન ૩ અને હવે અક્ષયે દૃશ્યમ ૩ છોડી

મુંબઈ, એક તરફ અક્ષય ખન્નાના ધુરંધરમાં અભિનયના ભારોભાર વખાણ થઈ રહ્યા છે, તેની રીલ્સ વાયરલ થઈ રહી છે, જાણે અક્ષય ખન્ના રાતોરાત સ્ટાર બની ગયો છે. ત્યારે બીજી તરફ તેણે એક મહત્વની ફિલ્મ છોડી દીધી હોવાના અહેવાલો છે.

અજય દેવગનની અતિ લોકપ્રિય ફ્રેન્ચાઇઝી દૃશ્યમમાં અક્ષય ખન્ના એક પોલિસ અધિકારીના રોલમાં જોવા મળ્યો છે. તાજેતરમાં જ અજય દેવગને આ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મની જાહેરાત કરી છે.

ત્યારે હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે અક્ષય ખન્ના આ ફિલ્મનો ભાગ નથી. વળતર અને ક્રેએટીવ ડિરેક્શન બાબતે પ્રોડક્સન ટીમ સાથે અસમહતીને કારણે અક્ષયે આ ફિલ્મ છોડી હોવાના અહેવાલો છે. આ અંગે ખુબ ચર્ચા છે અને ધુરંધરના પગલે રનવીરે ડોન ૩ છોડ્યા પછી આ સમાચાર વધુ ધ્યાન ખેંચી રહ્યા છે, પરંતુ અક્ષય ખન્ના તરફથી આ અંગે કોઈ જ કન્ફર્મેશન કે સ્પષ્ટતા આપવામાં આવી નથી. ધુરંધરની સફળતા પછી અક્ષય ખન્નાએ આ રોલ માટે ઘણી વધારે ફી માગી હોવાની ચર્ચા છે. ધુરંધરમાં તેનું પાત્ર વખણાયા પછી તેણે દૃષ્યમની ટીમ સાથે વળતર મુદ્દે ઘણી વાટાઘાટો કરી હતી.

જેમાં તે મેકર્સ સાથે સહમત થઈ શક્યો નહીં. આ ઉપરાંત ક્રિએટીવ અસમહતીને પણ આ નિર્ણય પાછળનું કારણ માનવામાં આવે છે. અક્ષયે સ્ક્રિપ્ટમાં તેના રોલમાં કેટલાંક મહત્વના સુધારા કરવા મેકર્સને વિનંતિ કરી હતી. મેકર્સને ફિલ્મની દૃષ્ટિએ એ સુધારા યોગ્ય લાગતા નહોતા. તેથી તેણે આ ફિલ્મ છોડી હોવાની પણ ચર્ચા છે.

છતાં સુત્રો એવું પણ કહે છે કે, આ કોઈ આખરી નિર્ણય નથી, હજુ શૂટ શરૂ થયું નથી, તેથી આ મુદ્દે વધુ વાટાઘાટો થઈ શકે છે અને અક્ષય ફિલ્મમાં પાછો પણ ફરી શકે છે. દૃષ્યમ ૩ અભિષેક પાઠક દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે અને અજય દેવગન તેમાં ફરી એક વખત વિજય સલગાંવકરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં ફરી જુની કાસ્ટમાંથી તબુ, શ્રિયા સરન અને ઇશિતા દત્તા સહિતના કલાકારો જોવા મળશે.

અજય દેવગને જાહેરાત કર્યા મુજબ આ ફિલ્મ ૨ ઓક્ટોબર, ૨૦૨૬ના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મની લોકપ્રિયતાના કારણે તેના કાસ્ટિંગ પર પણ દર્શકની ખાસ નજર રહે છે.

બીજી તરફ અક્ષય ખન્નાની ધુરંધર હાલ બોક્સિ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને તેના બીજા ભાગ ધુરંધર ૨ની રિલીઝ ડેટ પણ જાહેર થઈ ગઈ છે, જે ૧૯ માર્ચ ૨૦૨૬ના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના સાથે રનવીર સિંહ, અર્જૂન રામપાલ, સંજય દત્ત, આર.માધવન, સારા અર્જૂન અને રાકેશ બેદી પણ મહત્વના રોલમાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.