Western Times News

Gujarati News

કાંકરીયા કાર્નિવલના પ્રથમ દિવસે 1.31 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025નો ભવ્ય પ્રારંભ ગઈકાલે 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયો હતો. આ કાર્નિવલના પ્રથમ જ દિવસે નાગરિકો અને પ્રવાસીઓ તરફથી ભારે પ્રતિસાદ મળ્યો હતો. સત્તાવાર આંકડા મુજબ, ઓપનિંગ ડે પર કુલ 1,31,255 મુલાકાતીઓએ કાર્નિવલની મુલાકાત લીધી હતી, જે શહેરમાં ઉત્સવ પ્રત્યેની ઉત્સાહભરી ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

કાર્નિવલના પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત-નૃત્ય પ્રસ્તુતિઓ, ફૂડ ઝોન, બાળકો માટેની વિવિધ પ્રવૃત્તિઓ થકી કાંકરિયા પરિસરને ઉત્સવમય બનાવવામાં આવ્યો હતો. કાંકરિયા કાર્નિવલમાં પરિવાર સાથે આવેલા નાગરિકો, યુવાનો અને પ્રવાસીઓએ મનોરંજન સાથે શહેરની સંસ્કૃતિનો અનુભવ કર્યો હતો.

કાંકરિયા કાર્નિવલનું આયોજન નાગરિકોને ગુણવત્તાયુક્ત મનોરંજન, સ્થાનિક કલાકારોને મંચ અને શહેરના પર્યટનને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે મળેલી રેકોર્ડ હાજરીને પગલે આગામી દિવસોમાં પણ કાર્નિવલ પ્રત્યે વિશાળ જનસમર્થન જોવા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કાંકરિયા કાર્નિવલ અમદાવાદ માટે માત્ર મનોરંજનનો ઉત્સવ નહીં પરંતુ શહેરની સાંસ્કૃતિક ઓળખ, સામૂહિક આનંદ અને પર્યટન વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનતું જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.