Western Times News

Gujarati News

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની ઢોર માર મારીને હત્યા

અઠવાડિયામાં બીજી ઘટના; અગાઉ દીપુ દાસને મારીને સળગાવી દેવાયો હતો

(એજન્સી)ઢાકા, બાંગ્લાદેશમાં ફરી એકવાર ઉશ્કેરાયેલા ટોળાએ એક હિન્દુ યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટના બુધવારે રાત્રે આશરે ૧૧ઃ૦૦ વાગ્યે રાજબાડી જિલ્લાના હોસેનડાંગા ગામમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ ૨૯ વર્ષીય અમૃત મંડલ ઉર્ફે સમ્રાટ તરીકે થઈ છે.

આ અગાઉ ૧૮ ડિસેમ્બરે ઢાકા પાસે અન્ય એક હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની પણ ટોળાએ હત્યા કરી હતી અને બાદમાં તેને ઝાડ પર લટકાવીને સળગાવી દીધો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, અમૃત મંડલ પર ખંડણી માગવાનો આરોપ લગાવીને ટોળાએ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતક હોસેનડાંગા ગામનો જ રહેવાસી હતો. આ કેસમાં પોલીસે અમૃતના સાથી મોહમ્મદ સલીમની ધરપકડ કરી છે અને તેની પાસેથી બે હથિયારો પણ કબજે કર્યા છે.

પોલીસએ જણાવ્યું કે, સમ્રાટના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજબાડી સદર હોસ્પિટલના મોર્ગમાં મોકલી દેવામાં આવ્યો છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે સમ્રાટ વિરુદ્ધ પાંગશા પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા બે કેસ નોંધાયેલા છે, જેમાં એક હત્યાનો કેસ પણ સામેલ છે.

ડેઇલી સ્ટારના રિપોર્ટ અનુસાર, સ્થાનિક લોકોએ સમ્રાટ પર એક ગુનાહિત ગેંગ બનાવવાનો આરોપ લગાવ્યો છે. તે લાંબા સમયથી ખંડણી વસૂલવા અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતો.

ભારતમાં લાંબા સમય સુધી છુપાયા પછી, તે તાજેતરમાં ઘરે પાછો ફર્યો હતો. કથિત રીતે સમ્રાટે ગામના રહેવાસી શાહિદુલ ઇસ્લામ પાસેથી ખંડણીની રકમ માંગી હતી.
ગઈકાલે રાત્રે સમ્રાટ અને તેના સાથીઓ શાહિદુલના ઘરે પૈસા લેવા ગયા હતા.

જ્યારે ઘરના સભ્યોએ ‘ચોર’ બૂમો પાડીને અવાજ કર્યો, ત્યારે સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને સમ્રાટને માર માર્યો. બાંગ્લાદેશમાં ૧૮ ડિસેમ્બરની મોડી રાત્રે હિંસક પ્રદર્શનકારીઓના હુમલામાં માર્યા ગયેલા હિન્દુ યુવકના મામલે મોટો ખુલાસો થયો છે. અગાઉ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે મૃતક દીપુ ચંદ્ર દાસે ફેસબુક પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણી કરી હતી, પરંતુ હવે તપાસમાં આવી કોઈ પણ ટિપ્પણીના પુરાવા મળ્યા નથી.

બાંગ્લાદેશની રેપિડ એક્શન બટાલિયનના કંપની કમાન્ડર મોહમ્મદ શમ્સુજ્ઝમાને બાંગ્લાદેશી અખબાર ‘ધ ડેલી સ્ટાર’ને જણાવ્યું હતું કે, એવા કોઈ પુરાવા મળ્યા નથી જેના આધારે કહી શકાય કે દાસે ફેસબુક પર એવું કંઈ લખ્યું હતું જેનાથી ધાર્મિક લાગણીઓ દુભાઈ હોય. દીપુની હત્યાના કેસમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.