GCS હોસ્પિટલમાં જટિલ સર્જરી, મહિલાના અંડાશયમાંથી 2.75 કિલોની કેન્સરની ગાંઠ દૂર કરાઈ
અમદાવાદ: અમદાવાદની ખ્યાતનામ GCS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ તબીબી જગતમાં એક મહત્વની સફળતા હાંસલ કરી છે. હોસ્પિટલના ઓન્કો-સર્જન્સની ટીમે એક 45 વર્ષીય મહિલાના અંડાશય (Ovary) માંથી 2.75 કિલો વજનની અત્યંત જટિલ ગાંઠ દૂર કરી મહિલાને નવજીવન આપ્યું છે.
શું હતો સમગ્ર કિસ્સો?
અમદાવાદના રહેવાસી 45 વર્ષીય પરિણીત મહિલા છેલ્લા કેટલાક સમયથી પેટમાં સતત દુખાવો, શરીરમાં સોજા અને પેટમાં ભારેપણું અનુભવી રહ્યા હતા. તપાસ માટે તેઓ GCS હોસ્પિટલ ખાતે આવ્યા, જ્યાં સર્જીકલ ઓન્કોલોજીસ્ટ ડો. સંકેત દેસાઈ દ્વારા તેમનું નિદાન કરવામાં આવ્યું. સોનોગ્રાફી અને MRI રિપોર્ટ્સમાં અંડાશયમાં એક વિશાળ ગાંઠ હોવાનું બહાર આવ્યું હતું.
આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવાર
આ જટિલ સર્જરી અને સારવારની સૌથી મોટી વિશેષતા એ રહી કે, મહિલાની આ સંપૂર્ણ સારવાર આયુષ્માન ભારત (PM-JAY) યોજના હેઠળ વિનામૂલ્યે કરવામાં આવી છે. આનાથી મધ્યમ અને ગરીબ વર્ગ માટે સરકારી યોજનાઓના આશીર્વાદરૂપ પરિણામો ફરી એકવાર સાબિત થયા છે.
સર્જરીમાં રહેલા પડકારો
ઓપરેશન દરમિયાન તબીબોને જાણવા મળ્યું કે આ ગાંઠ મહિલાના મળાશય (Rectum) સાથે જોડાયેલી હતી. આ સંજોગોમાં આસપાસના અન્ય અંગોને નુકસાન પહોંચ્યા વિના ગાંઠ દૂર કરવી અત્યંત સંવેદનશીલ કાર્ય હતું. જોકે, સર્જીકલ ટીમે નિપુણતા પૂર્વક 2.75 કિલોની આ વિશાળ ગાંઠને સફળતાપૂર્વક દૂર કરી હતી.
કેન્સરનો દુર્લભ પ્રકાર: સેક્સ-કોર્ડ સ્ટ્રોમલ ટ્યુમર
હિસ્ટોપેથોલોજી રિપોર્ટમાં જાણવા મળ્યું કે આ ગાંઠ અંડાશયના કેન્સરનો એક દુર્લભ પ્રકાર ‘સેક્સ-કોર્ડ સ્ટ્રોમલ ટ્યુમર’ (Sex Cord-Stromal Tumor) હતો.
-
ભારતમાં દર વર્ષે આશરે 40,000 થી વધુ મહિલાઓ ઓવરિયન કેન્સરનો શિકાર બને છે.
-
તેમાંથી માત્ર 3.5% કિસ્સાઓમાં જ આ પ્રકારનું ટ્યુમર જોવા મળે છે.
-
તેમાં પણ ‘ફાઈબ્રોથેકોમા’ (Fibrothecoma) પ્રકારની ગાંઠનું કદ આટલું મોટું હોવું એ અત્યંત વિરલ બાબત છે.
⚠️ આ લક્ષણોને ક્યારેય અવગણશો નહીં
GCS હોસ્પિટલના તબીબોએ મહિલા સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવતા જણાવ્યું છે કે, જો નીચે મુજબના લક્ષણો 2 થી 3 અઠવાડિયા થી વધુ સમય માટે જણાય, તો તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ:
-
પેટમાં સતત ફુલાવો કે ભારેપણું લાગવું.
-
પેટના નીચેના ભાગમાં (પેડુમાં) દુખાવો થવો.
-
પેટના ઘેરાવામાં અચાનક વધારો થવો.
-
ખોરાક લેવામાં મુશ્કેલી કે થોડું ખાધા પછી પેટ ભરાઈ ગયું હોય તેવું લાગવું.
-
વારંવાર પેશાબ જવાની ઈચ્છા થવી.
-
માસિક ધર્મમાં અનિયમિતતા આવવી.
-
વજનમાં અચાનક અને અકળ ફેરફાર થવો.
તબીબી માર્ગદર્શન: “કેન્સર સામેની જંગમાં વહેલું નિદાન એ જ શ્રેષ્ઠ બચાવ છે.”
