ખેડૂતોની સાથે ખભેખભો મિલાવીને જાતે કપાસના કાલા વીણ્યા ગુજરાતના રાજ્યપાલે
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લુણીવાવમાં ખેડૂતના ઘરે ગાયનું દોહન કરી ખેડૂતો સાથે કર્યો સંવાદ
ખેતર બન્યું પ્રાકૃતિક ખેતીની પાઠશાળા: રાજ્યપાલશ્રીએ સ્થાનિક ખેડૂત ભાઈઓ સાથે સહજ સંવાદ કરતા ગાય અને પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવ્યું
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના ફાયદા વર્ણવતા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવા પ્રતિબદ્ધતા દર્શાવી
પ્રાકૃતિક ખેતી અપનાવો અને જમીનને સોના જેવી ઉપજાઉ બનાવો: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે સરકારી પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું હતું. Gujarat Governor Rajkot district Gondal taluka Lunivav Village.
ખેતી, ગાય અને ગ્રામ્ય સંસ્કૃતિનું મહત્વ સમજાવતા રાજ્યપાલશ્રી આજે વહેલી સવારે ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી પંકજભાઈ મારકણાના ખેતર પર પહોંચ્યા હતા. અહીં તેમણે બળદ ગાડું ચલાવ્યું હતું. બાદમાં ખેતરમાં જાતે જ મકાઈની કાપણી કરીને ગાય માટે ચારો તૈયાર કર્યો હતો.

પછી ગાયને ચારો આપીને દોહન કર્યું હતું. તેમણે પંકજભાઈના ખેતરની મુલાકાત લઈને પ્રાકૃતિક પદ્ધતિથી ઊગેલા ચણા, વટાણા સહિતના પાકનું નિરીક્ષણ કર્યું હતું. આ પાકમાં ફૂલ તેમજ ચણાના ફળ ખૂબ સારા જોવા મળ્યા અને તમામ પાક કીટક અને બીમારીમુક્ત જોવામાં આવ્યો હતો.
ખેડૂત શ્રી પંકજભાઈ મારકણાની દીકરી એન.સી.સી.માં હોવાનું જાણીને રાજ્યપાલશ્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું હતું કે, અભ્યાસ પણ જરૂરી છે અને કૃષિ કાર્ય પણ જરૂરી છે.
આ સમયે આસપાસના ખેડૂતો રાજ્યપાલશ્રીને મળવા પહોંચ્યા હતા. આ તકે રાજ્યપાલશ્રીએ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. જીવામૃત, ઘન જીવામૃત કેમ બનાવાય તેની સરળ અને ઊંડાણપૂર્વકની માહિતી સાથે તેના અગણિત ફાયદા જાણીને ખેડૂતો પ્રેરિત થયા હતા.

રાજ્યપાલશ્રીએ ખેડૂતોને કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી જમીન એટલી ફળદ્રુપ અને શક્તિશાળી બને છે કે તેમાં બીમારીઓ આવતી નથી. તેમણે ખેડૂતોને ખાસ આગ્રહ કર્યો હતો કે, આ પ્રાકૃતિક ખેતર જોઈને પ્રેરણા લો અને રાસાયણિક ખાતર છોડો. તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવો અને જમીનને સોના જેવી ઉપજાઉ બનાવો.
રાજ્યપાલશ્રીની વાત સાંભળીને ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આમ અહીંનું ખેતર આજે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની જીવંત પાઠશાળા બની ગયું હતું. બાદમાં રાજ્યપાલશ્રીએ કપાસના એક ખેતરમાં કપાસ વીણવાનું કામ ચાલતું જોઈ ખેતરની મુલાકાત લીધી હતી.
અહીં તેમણે ખેડૂતોની સાથે ખભેખભો મિલાવીને જાતે કપાસના કાલા વીણ્યા હતા અને ખેડૂત સાથે સંવાદ કરતા તેને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરણા આપી હતી.
