Western Times News

Gujarati News

કચ્છમાં વહેલી સવારે ૪.૪ની તીવ્રતા ભૂકંપનો આંચકો આવ્યો

ભૂજ, ગુજરાતના કચ્છમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સવારે ૪. ૩૦ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ નોંધવામાં આવી છે. આ ભૂકંપના આંચકાના લીધે લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૧૦ કિલોમીટર નીચે હતું. ભૂકંપના આંચકાના લીધે જાનમાલના નુકસાનના કોઈ માહિતી નથી.

આ ઉપરાંત ૨૪ ડિસેમ્બરના રોજ પણ ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની રિક્ટર સ્કેલ પણ તીવ્રતા ૩.૦ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કરમરીયા ગામ પાસે હતું. જે જમીનમાંથી માત્ર ૨૩.૫ કિલોમીટરની ઉંડાઇએ હતું. કચ્છ ઉચ્ચ ભૂકંપ જોખમ ધરાવતો વિસ્તાર છે. તેમજ આ ક્ષેત્રમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે.

આ વર્ષે ડિસેમ્બર માસમાં પણ ભૂકંપના સામાન્ય આંચકા અનુભવાયા છે. જેમાં ૧૩ ડિસેમ્બરના રોજ ૩.૯ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.જોકે, સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી ફરી ફોલ્ટલાઈન સક્રિય થઈ હોય તેમ ભૂકંપના હળવા આંચકા નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં આવેલા ૨૦૦૧ ના વિનાશક ભૂકંપના ૨૦૨૬માં ૨૫ વર્ષ થશે.

આ પહેલા એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ૨૦૦૮ થી ૨૦૨૪ વચ્ચે નોંધાયેલા ૧૩૦૦થી વધુ આંચકાઓનું વિશ્લેષણ કરાયું હતું.આ માટે ૫૬ કાયમી અને ૨૦ કામચલાઉ સિસ્મિક સ્ટેશનોના ડેટાનો ઉપયોગ કરીને ગુજરાતના ભૂગર્ભનું સ્કેનિંગ કરાયું હતું. જેમાં સામે આવેલી વિગત પ્રમાણે, રાજ્યની નીચે અનેક ફોલ્ટ લાઈનો અને પૃથ્વીના પડમાં થયેલા ફેરફારો એકબીજા સાથે સંપર્કમાં આવતા રહે છે, જે ધ્›જારી અને ભૂકંપનું કારણ બને છે.

ઉલ્લેખનીય છે કે, કચ્છને તબાહ કરનારા ભયાનક ધરતીકંપને અઢી દાયકા જેટલો સમય વીતી ચુક્યો છે ત્યારે સતત વધી રહેલી ભૂ-હલચલથી કચ્છીઓના માનસપટ પર અંકિત થઇ ગયેલી એ ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ ના વિનાશક ભૂકંપની વરવી યાદો ફરી જીવંત થઇ ઉઠી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.