વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી
લખનઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લખનઉ ખાતેના કાર્યક્રમની સમાપ્તિ બાદ શહેરને શરમજનક સ્થિતિમાં મૂકી દે તેવી તસવીરો સામે આવી છે. રાષ્ટ્રીય પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન પછી, ત્યાં અને આસપાસના વિસ્તારમાં શણગાર માટે લગાવવામાં આવેલા કૂંડાઓની લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.શહેરના સૌંદર્યકરણ માટે મુકાયા હતા કૂંડાખરેખર, ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન માટે લખનઉ પહોંચ્યા હતા.
આ દરમિયાન, પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન અને આદર્શાેને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં આ સ્થળનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રેરણા સ્થળ અને તેની આસપાસના વિસ્તારોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા હતા.
શહેર લીલુંછમ અને સુંદર દેખાય તે માટે લખનઉ વિકાસ પ્રાધિકરણ અને નગર નિગમ દ્વારા રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ માર્ગ, ગ્રીન કોરિડોર અને વસંત કુંજ રોડ પર નાના-નાના આકર્ષક કૂંડા અને હેંગિંગ વોલ લગાવવામાં આવ્યા હતા.પરંતુ વડાપ્રધાનના રવાના થતાં જ પરિસ્થિતિ બદલાઈ ગઈ અને ગ્રીન કોરિડોરની સુંદરતા પર ગ્રહણ લાગી ગયું. નગર નિગમે જે કૂંડાઓને શણગાર માટે લગાવ્યા હતા, તેને લોકો પોતાના વાહનોમાં ભરીને ઘરે લઈ જવા લાગ્યા.
કેટલાક લોકો હાથમાં લઈને, તો કેટલાક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પર લાદીને કૂંડા લઈ જતા જોવા મળ્યા.પ્રશાસને જે સૌંદર્ય પાછળ મોટી રકમ ખર્ચી હતી, તેને લોકોએ ગણતરીના કલાકોમાં જ નષ્ટ કરી દીધું.
લોકોની આ હરકતે શહેરની છબીને કલંકિત કરી છે. આ સમગ્ર ઘટના ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધી, અને જોતજોતામાં કૂંડા ચોરીના આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા.
સોશિયલ મીડિયા યુઝર્સે ટીકા કરતા કહ્યું કે, જ્યાં એક તરફ નગર નિગમ શહેરના સૌંદર્યકરણ માટે પ્રયાસ કરી રહ્યું છે, ત્યાં સમાજનો એક વર્ગ પોતાની સંકુચિત માનસિકતાને કારણે તેને નષ્ટ કરી રહ્યો છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ મામલે જવાબદાર લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ.SS1MS
