બિહારના સમસ્તીપુરમાં ભાજપ નેતાની હત્યા બાદ હિંસા
નવી દિલ્હી, બિહારના સમસ્તીપુર જિલ્લાના ખાનપુર પોલીસની હદમાં ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા રૂપક સહનીની ગોળી મારીને હત્યા કરી દેવાયા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ અને હિંસા ફાટી નીકળી છે. બુધવારે સાંજે થયેલી આ હત્યાના વિરોધમાં ગુરુવારે રોષે ભરાયેલા લોકોના ટોળાએ ભારે હોબાળો મચાવ્યો હતો અને આરોપીઓની સંપત્તિને આગ ચાંપી દીધી હતી.બુધવારે સાંજે થયેલી હત્યા બાદ ગુરુવારે લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.
આક્રોશિત ભીડે સમસ્તીપુર-રોસડા મુખ્ય માર્ગ પર ચક્કાજામ, આગચંપી અને તોડફોડ કરી, જેના કારણે લગભગ ૨૪ કલાક સુધી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. ઉગ્ર બનેલા ટોળાએ હત્યાના આરોપીઓના ઘર, ટ્રેક્ટર અને શાદીપુર ઘાટ પર આવેલી હાર્ડવેર, જૂતા-ચપ્પલ, કરિયાણા અને પાનની દુકાનોને આગના હવાલે કરી દીધી હતી. હિંસક ટોળા સામે પોલીસ પણ લાચાર દેખાઈ રહી હતી.
ઘટનાના લગભગ ૨૪ કલાક બાદ પોલીસે આખરે એફઆઈઆર નોંધીને ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં સોનુ ચૌધરી, મોનુ ચૌધરી અને હરિ ઠાકુરનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે આરોપી સોનુની તલાશી દરમિયાન તેના ખિસ્સામાંથી એક ગોળી પણ મળી આવી છે.
અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે. હત્યા બાદ શાદીપુર ગામમાં ભારે તણાવને જોતા સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને અડધો ડઝન પોલીસ સ્ટેશનની ફોર્સ તૈનાત કરવામાં આવી છે.મૃતક ભાજપ નેતા રૂપક સહનીના દાદીએ ખાનપુર પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, “પોલીસની મિલીભગતથી મારા પૌત્રની હત્યા થઈ છે.”
તેમણે ગુસ્સામાં આરોપીઓને જનતાને સોંપી દેવા અથવા તેમનું એન્કાઉન્ટર કરવાની માંગ કરી હતી. ૨૩ વર્ષીય રૂપકના ભાઈ દીપક કુમારે ખાનપુર પોલીસ સ્ટેશનમાં ૭ લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે, જેમાં શાદીપુર ગામના જ જય કુમાર ચૌધરી, સોનુ કુમાર ચૌધરી, સદન કુમાર ચૌધરી, મોનુ કુમાર ચૌધરી, અજય કુમાર ચૌધરી, ભુવનેશ્વર ચૌધરી અને સેદુખા ગામના હરિ ઠાકુરનો સમાવેશ થાય છે.
સ્થાનિક લોકો અને ગ્રામજનોનું કહેવું છે કે આ ઘટના સંપૂર્ણપણે વહીવટીતંત્રની બેદરકારીનું પરિણામ છે. તેમના કહેવા મુજબ, મૃતક રૂપક સહની અને તેમના ભાઈએ અગાઉ અનેક વખત પોતાની જાનને જોખમ હોવાની જાણ કરી હતી.
તેમણે સ્થાનિક થાનાધ્યક્ષથી લઈને ડીએસપી, એસપી અને ડીઆઈજી સુધી લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ કોઈપણ સ્તરે તેમની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. જો પોલીસે સમયસર પગલાં લીધા હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.SS1MS
