કેનેડાના ટોરેન્ટોમાં યુનિવર્સિટી નજીક ધોળા દિવસે ગોળીબાર
ટોરેન્ટો, કેનેડાના ટોરેન્ટો શહેરમાં વધુ એક ભારતીય નાગરિક હિંસાનો ભોગ બન્યો છે. યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો સ્કારબોરો કેમ્પસ પાસે થયેલા ગોળીબારમાં ૨૦ વર્ષીય ભારતીય પીએચડી વિદ્યાર્થી શિવાંક અવસ્થીનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે કેનેડામાં રહેતા ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસ અહેવાલ અનુસાર, શિવાંક અવસ્થી પર મંગળવારે હાઈલેન્ડ ક્રીક ટ્રેલ અને ઓલ્ડ કિંગ્સટન રોડ વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ શિવાંકને ગોળી મારી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ ફરાર થઈ ગયા હતા.
ગંભીર રીતે ઘવાયેલા શિવાંકને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ટોરેન્ટોમાં નોંધાયેલી આ ૪૧મી હત્યા છે. સુરક્ષાના કારણોસર ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસને થોડા સમય માટે લોકડાઉન કરવામાં આવ્યું હતું.ટોરેન્ટો સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક નિવેદન જારી કરતા દૂતાવાસે જણાવ્યું કે, “યુવા ભારતીય ડોક્ટરલ વિદ્યાર્થી શિવાંક અવસ્થીના આકસ્મિક અવસાનથી અમને ઊંડો આઘાત લાગ્યો છે. દૂતાવાસ પરિવારના સંપર્કમાં છે અને સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન સાધીને તમામ સંભવિત મદદ પૂરી પાડી રહ્યું છે.”
આ ઘટના બાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં વહીવટીતંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, જે વિસ્તારમાં ગોળીબાર થયો તે કેમ્પસની અંદરનો ભાગ છે અને તેનો ઉપયોગ વિદ્યાર્થીઓ અવારનવાર કરે છે. વિદ્યાર્થીઓએ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, દિનદહાડે આવી ઘટના બનવી તે અત્યંત ચિંતાજનક છે.
ઘણા વિદ્યાર્થીઓએ હવે મોડી સાંજની ક્લાસ અને પરીક્ષાઓમાં હાજરી આપવા અંગે ડર વ્યક્ત કર્યાે છે.શિવાંક અવસ્થી માત્ર તેજસ્વી વિદ્યાર્થી જ નહીં, પરંતુ યુનિવર્સિટીની ‘ચીયરલીડિંગ ટીમ‘ના સક્રિય સભ્ય પણ હતા.
તેમની ટીમે ઈન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, શિવાંક હંમેશા પ્રેક્ટિસ દરમિયાન સૌનું મનોબળ વધારતો અને ચહેરા પર સ્મિત લાવતો હતો. તે હંમેશા યુનિવર્સિટી પરિવારનો હિસ્સો રહેશે. કેનેડામાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીયો વિરુદ્ધ હિંસાની આ બીજી મોટી ઘટના છે. આ પહેલા ૩૦ વર્ષીય ભારતીય મૂળની મહિલા હિમાંશી ખુરાનાની પણ હત્યા કરવામાં આવી હતી.SS1MS
