ગઠિયાએ ટ્રકના એડવાન્સ પેટે ૧.૨૦ લાખનો ચૂનો ચોપડ્યો
અમદાવાદ, શહેરના દાણીલીમડામાં સ્ક્રેપના વેપારીને અજાણ્યા નંબર પરથી આવેલા ફોનકોલ દ્વારા સાયબર ઠગાઈનો શિકાર બનાવવામાં આવ્યો છે. ૧૦ વ્હીલની ટ્રક વેચવાના બહાને ફોટા મોકલી વડોદરાના ઠગોએ એડવાન્સ પેમેન્ટ પેટે રૂ. ૧.૨૦ લાખ ખંખેરી લીધા હતા અને બાદમાં મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ અંગે પીડિત વેપારીએ સાયબર હેલ્પલાઈનમાં જાણ કરીને દાણીલીમડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
દાણીલીમડામાં રહેતા ૫૨ વર્ષીય આમીનભાઈ સ્ક્રેપના વ્યવસાય સાથે સાથે જૂની ફોર વ્હીલર તેમજ હેવી વેહિકલની લે–વેચનો ધંધો પણ કરે છે. ગત તા. ૧૫ ઓક્ટોબરના રોજ સવારે આમીનભાઈ પોતાની દુકાને હાજર હતા, તે દરમિયાન અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.
ફોન કરનારે પોતે બરોડાથી હૈદરભાઈ બોલું છું અને તમારો નંબર મુસ્તાકભાઈએ આપ્યો છે તેમ કહી જણાવ્યું હતું કે તેમની પાસે ૧૦ વ્હીલની મહેન્દ્રા કંપનીની ટ્રક છે, જે સ્ક્રેપમાં આપવાની છે.મુસ્તાકભાઈનું નામ અને કામકાજ કબાડી માર્કેટમાં વિશ્વસનીય હોવાથી આમીનભાઈને વિશ્વાસ બેઠો હતો.
આથી તેમણે ટ્રક લેવાની તૈયારી દર્શાવી હતી. દરમિયાન વચેટિયા હૈદરભાઈએ જણાવ્યું હતું કે સોદો ફાઈનલ થયા બાદ દલાલી પેટે રૂ. ૫ હજાર આપવાના રહેશે, જેને આમીનભાઈએ સહમતિ આપી હતી. બાદમાં દલાલે મુખ્ય પાર્ટી તમારો સંપર્ક કરશે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.બીજા દિવસે એટલે કે ૧૬ ઓક્ટોબરે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને ફોન કરનારે પોતે અશોકભાઈ હોવાનું કહી દલાલ હૈદરભાઈએ તમારો નંબર આપ્યો છે તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ ટ્રકની લે–વેચ અંગે વાતચીત કરીને ટ્રકના ફોટા વોટ્સએપ મારફતે મોકલવામાં આવ્યા હતા. ફોટા જોતા આમીનભાઈને ટ્રક પસંદ આવી હતી અને રૂ. ૩.૨૦ લાખમાં સોદો નક્કી થયો હતો.
પરંતુ ટ્રક વેચનાર ગઠિયાએ શરૂઆતમાં રૂ. ૧.૨૦ લાખ એડવાન્સ માંગ્યા હતા અને ટ્રક લેવા આવો ત્યારે બાકી રકમ આપવાનું જણાવ્યું હતું. અંતે સોદો નક્કી થતા આમીનભાઈએ ઠગોએ આપેલા અલગ–અલગ સ્કેનર મારફતે ટુકડે–ટુકડે કરીને કુલ રૂ. ૧.૨૦ લાખ મોકલી આપ્યા હતા.આ પછી બીજા દિવસે ટ્રક લેવા માટે આમીનભાઈએ ક્રેન વડોદરાના અજવા ચોકડી ખાતે મોકલી હતી અને ડ્રાઈવરને ત્યાં પહોંચીને અશોકભાઈને ફોન કરવાનું જણાવ્યું હતું.
ડ્રાઈવર ત્યાં પહોંચી અશોકભાઈને ફોન કરતા ફોન બંધ આવતો હતો. આ વાતની જાણ થતાં આમીનભાઈએ પણ અશોકભાઈને ફોન કર્યાે, પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો. ત્યારબાદ દલાલ હૈદરભાઈને ફોન કરતા તેનો પણ ફોન સ્વીચ ઓફ આવતો હોવાનું જાણવા મળ્યું હતું. અંતે વેપારીએ જેના સ્કેનરમાં કેટલાક રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેવા પુષ્કર શાહુને ફોન કરતા જાણવા મળ્યું હતું કે ઠગ અશોકભાઈએ પુષ્કર શાહુનું બેન્ક એકાઉન્ટ ભાડે લીધું હતું.
જેમાં રૂ. ૭૦ હજાર જમા થવાના હતા અને તે રકમ ઉપાડી આપવા બદલ રૂ. ૧,૫૦૦ કમિશન આપવાનું નક્કી થયું હતું. આમીનભાઈને ખ્યાલ આવ્યો કે તેમની સાથે સાયબર ઠગાઈ કરવામાં આવી છે. આથી તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઈનમાં જાણ કરી અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અશોકભાઈ, પુષ્કર શાહુ સહિત બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.SS1MS
