વડોદરાના સયાજીબાગના કર્મચારીના મકાનમાંથી સૂર્યમુખી કાચબા મળી આવ્યા
વડોદરા, વડોદરાના સયાજીબાગના એક કર્મચારીના ઘરેથી દુર્લભ પ્રજાતિના કાચબા મળી આવતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા દરોડામાં આ ઘટસ્ફોટ થયો છે.
જેનાથી તંત્રની કામગીરી અને કર્મચારીઓની નૈતિકતા સામે અનેક સવાલો ઊભા થયા છે.સયાજીબાગમાં ફરજ બજાવતા હરિ રાઠવા નામના કર્મચારીના નિવાસસ્થાને પ્રતિબંધિત કાચબા હોવાની બાતમી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને મળી હતી. સંસ્થાના અગ્રણીઓએ કર્મચારીના ઘરે દરોડો પાડતા ત્યાંથી સૂર્યમુખી કાચબા મળી આવ્યા હતા. આ ઘટનાની તુરંત જાણ વન વિભાગને કરવામાં આવી હતી અને કાચબાનો કબજો લેવામાં આવ્યો હતો.
વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના અગ્રણીએ જણાવ્યું હતું કે, આ કાચબા પાણીના નથી, પરંતુ પહાડી સૂરજ કાચબા છે.સૌથી મોટો સવાલ એ છે કે આ કાચબા સયાજીબાગમાંથી લાવવામાં આવ્યા છે કે કેમ ? જો સયાજીબાગના કાચબા સાબિત થશે, તો તે પ્રાણીઓની તસ્કરીનું મોટું કૌભાંડ હોઈ શકે છે. બીજી તરફ, કર્મચારી હરિ રાઠવાએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ કાચબા તેમને નજીકમાંથી મળી આવ્યા હતા.
જોકે, વન વિભાગ આ નિવેદનને ગ્રાહ્ય રાખવાને બદલે ઊંડાણપૂર્વકની તપાસ કરી રહ્યું છે. હાલમાં વન વિભાગે કાચબા જપ્ત કરી કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ કાચબા ક્યાંથી આવ્યા અને તેના વેચાણ પાછળ કોનું નેટવર્ક કામ કરી રહ્યું છે.SS1MS
