રાજ્યપાલે લુણીવાવ ખાતે વહેલી સવારે શાળાના બાળકો સાથે યોગાભ્યાસ કર્યો
લુણીવાવ પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિરોકાણ કરતા રાજ્યપાલશ્રી, સાદગીપૂર્ણ જીવનશૈલીનો સંદેશ આપ્યો
રાજ્યપાલશ્રીએ
રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગોંડલ તાલુકાના લુણીવાવ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. ગ્રામ્ય જીવનની સાદગીને અનુરૂપ લુણીવાવ પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં તેઓ રાત રોકાયા હતા.
ઉલ્લેખનીય છે કે રાજ્યપાલશ્રી ગામડાઓની તેમની મુલાકાત દરમિયાન સાદગીપૂર્ણ જીવનશૈલી પર ભાર આપી તદૃન પ્રાથમિક સુવિધાઓ ધરાવતા સરકારી શાળા કે પંચાયત ભવન પ્રકારના સરકારી આવાસોમાં રોકાણ કરે છે.

રાજ્યપાલશ્રીએ શાળા ખાતે વહેલી સવારે નિત્યક્રમ મુજબ યોગાભ્યાસ કર્યો હતો. જેમાં શાળાના બાળકો પણ જોડાયા હતા. સૂક્ષ્મ વ્યાયામ સાથે યોગનો આરંભ કરવામાં આવ્યો હતો. બાદમાં ભસ્ત્રિકા, અનુલોમ વિલોમ સહિતના પ્રાણાયામો, વિવિધ યોગાસનો કરવામાં આવ્યા હતા. દરમિયાન રાજ્યપાલશ્રીએ આ તમામના ફાયદા પણ બાળકોને વર્ણવ્યા હતા. બાદમાં રાજ્યપાલશ્રી અને બાળકોએ સ્ફૂર્તિ સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા.
આ તકે તેમણે સ્વચ્છતા સાથે સાદગી અને શિક્ષણ સાથે સંસ્કાર પર ભાર મૂક્યો હતો. આ શાળામાં નિયમિત રીતે યોગ શીખવવામાં આવતા હોવાનું જાણીને રાજ્યપાલશ્રીએ આનંદ વ્યક્ત કર્યો તથા શિક્ષકોને બિરદાવ્યા હતા.
