કેરળમાં ભાજપે રચ્યો ઈતિહાસ, પ્રથમવાર મેયર પદ કબજે કર્યું
(એજન્સી)થિરૂવનંતપૂરમ્, કેરળના રાજકારણમાં શુક્રવારે એક નવો સૂર્યોદય થયો છે. દાયકાઓથી ડાબેરીઓ અને કોંગ્રેસના વર્ચસ્વવાળા આ રાજ્યમાં ભાજપે ઇતિહાસ રચી દીધો છે. ભાજપના વરિષ્ઠ નેતા વી.વી. રાજેશ કેરળની રાજધાની તિરુવનંતપુરમ નગર નિગમના પ્રથમ ભાજપના મેયર તરીકે ચૂંટાયા છે.
શુક્રવારે સવારે યોજાયેલી મેયરની ચૂંટણીમાં ૪૫ વર્ષીય વી.વી. રાજેશને કુલ ૫૧ મતો મળ્યા હતા, જેની સાથે જ ૧૦૦ સભ્યોની હાજરીવાળા ગૃહમાં ભાજપે બહુમતી માટે જરૂરી આંકડો સફળતાપૂર્વક મેળવી લીધો હતો. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને એક અપક્ષ કાઉન્સિલર એમ. રાધાકૃષ્ણનનું પણ મહત્ત્વનું સમર્થન પ્રાપ્ત થયું હતું.
VV Rajesh on being elected Mayor of Thiruvananthapuram, and Smt. Asha Nath as Deputy Mayor !! This is a historic moment of change in Kerala politics !
મતોના સમીકરણ પર નજર કરીએ તો, ભાજપના વી.વી. રાજેશને ૫૧ મત મળ્યા હતા, જ્યારે તેમની સામે લડી રહેલા સીપીએમના આર.પી. શિવાજીને ૨૯ અને કોંગ્રેસ પ્રેરિત યુડીએફના ઉમેદવાર કે.એસ. સબરિનાથનને માત્ર ૧૯ મતોથી સંતોષ માનવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરની શરૂઆતમાં યોજાયેલી મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપે ૧૦૦ માંથી ૫૦ બેઠકો જીતીને અગાઉથી જ પોતાની મજબૂત પકડ સાબિત કરી દીધી હતી.
આ જીત ભાજપ માટે માત્ર એક શહેરની સત્તા નથી, પરંતુ એક મોટી વિચારધારાની જીત માનવામાં આવે છે. છેલ્લા ૪૫ વર્ષોથી તિરુવનંતપુરમ નગર નિગમ પર સીપીએમ (ડાબેરીઓ)નો કબજો હતો. ભાજપે આ પરંપરાને તોડીને દક્ષિણ ભારતમાં પોતાની શક્તિનો પરિચય આપ્યો છે. કેરળ ભાજપ અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરે આક્ષેપ કર્યો હતો કે પાછલા શાસનમાં નિગમ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું હતું અને પાયાની સુવિધાઓ જેવી કે કચરા વ્યવસ્થાપન અને પાણીના મુદ્દે શહેર પાછળ ધકેલાઈ ગયું હતું.
પદ સંભાળ્યા બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં વી.વી. રાજેશે જણાવ્યું કે, અમે સૌને સાથે લઈને આગળ વધીશું. શહેરના તમામ ૧૦૧ વોર્ડમાં સમાન વિકાસ કરવામાં આવશે. અમારું લક્ષ્ય તિરુવનંતપુરમને એક આધુનિક અને વિકસિત શહેરમાં બદલવાનું છે. કેરળમાં આગામી છ મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. અત્યાર સુધી ભાજપને કેરળમાં મોટી સફળતા મળી નથી(૨૦૧૬માં માત્ર ૧ બેઠક અને ૨૦૨૪માં ૧ લોકસભા બેઠક) મળી હતી.
