Western Times News

Gujarati News

મસ્જિદ સંબંધી એક વિવાદને પગલે જયપુરમાં તંગદિલીઃ ઈન્ટરનેટ બંધ

(એજન્સી)જયપુર, રાજસ્થાનના જયપુર જિલ્લામાં આવેલા ચોમૂ નગરમાં મોડી રાત્રે અચાનક કોમી તણાવ ફાટી નીકળ્યો હતો. મસ્જિદ સંબંધી એક વિવાદને પગલે કેટલાક તોફાની તત્વોએ પોલીસને નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક જવાનો લોહીલુહાણ થયા હતા. હિંસક બનેલી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની સાથે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી, જોકે ભારે જહેમત બાદ થોડા જ કલાકોમાં સ્થિતિ થાળે પડી હતી.

Jaipur Police have DETAINED 110 rioters so far in connection with stone-pelting incidents targeting police personnel.

મળતી માહિતી મુજબ, શુક્રવાર સાંજથી જ મસ્જિદ નજીક રસ્તા પર જમા થયેલા પથ્થરો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પથ્થરો લાંબા સમયથી અવરોધરૂપ બનતા હોવાથી ત્યાં વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી.

જોકે, આ સફાઈ કામગીરીનો સ્થાનિકોએ વિરોધ કરતા જ જોતજોતામાં ત્યાં લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક તોફાની તત્વોએ અચાનક પોલીસ ટુકડી પર ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. સ્થિતિ બેકાબૂ બનતા પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યો અને લાઠીચાર્જ કર્યો હતો. આ હિંસક અથડામણમાં અનેક પોલીસ જવાનોને ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્પેશિયલ ઓપરેશન કમિશનર રાહુલ પ્રકાશ, અધિક પોલીસ કમિશનર ડો. રાજીવ પચાર અને મનીષ અગ્રવાલ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વરિષ્ઠ અધિકારીઓએ પોતે મોરચો સંભાળીને મામલો શાંત પાડ્યો હતો.

પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ચોમૂ બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે, જ્યાં ડ્રોન અને સીસીટીવીથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.  તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી પ્રશાસને ચોમૂમાં ૨૬ ડિસેમ્બર સવારે ૭ વાગ્યાથી ૨૪ કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.