મોરબીના વાંકાનેર ખાતે કાઠિયાવાડી મારવાડી અશ્વ પ્રદર્શન – રમતોત્સવ ‘કામા અશ્વ શો’નું આયોજન
મોરબીના વાંકાનેર ખાતે ત્રિદિવસીય ‘કામા અશ્વ શો‘ના પ્રથમ દિવસે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરીમામય ઉપસ્થિતિ
“ગાય, અશ્વ સહિતનું પશુધન આદિકાળથી સમૃદ્ધિનું પ્રતિક રહ્યું છે, ત્યારે આપણી સંસ્કૃતિ અને વિરાસતના આ અભિન્ન અંગને બચાવવાની આપણી સૌની જવાબદારી”-રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલશ્રીએ અશ્વોનું પ્રદર્શન નિહાળ્યું; દેશી ગૌવંશનું નિરીક્ષણ કર્યું
મોરબીમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે મહત્વના સ્થળ એવા વાંકાનેર ખાતે માનવી અને અશ્વ વચ્ચેના અતૂટ વિશ્વાસના સંબંધની પ્રતિકૃતિ સમાન ત્રિદિવસીય કાઠિયાવાડી મારવાડી અશ્વ પ્રદર્શન – રમતોત્સવ ‘કામા અશ્વ શો‘નું પશુપાલન વિભાગ, પ્રવાસન વિભાગ તથા કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વાંકાનેરના રાજવી સ્વશ્રી ડૉ. દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રથમ દિવસે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત રહી સમગ્ર આયોજનની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. રાજ્યપાલશ્રીના હસ્તે અશ્વોની વિવિધ જાતોના ઉત્કૃષ્ટ રખેવાળોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વૈદિક કાળથી આપણી સંસ્કૃતિ અને ધરોહરમાં વીર અને શૌર્યવાન યોદ્ધાઓની સાથે ગાય, સિંહ અને અશ્વનું મહત્વ સવિશેષ રહ્યું છે. ગાય અને અશ્વને આદિકાળથી સમૃદ્ધિના પ્રતિક માનવામાં આવ્યા છે. પશુધન આદિકાળથી સમૃદ્ધિનું પ્રતિક રહ્યું છે ત્યારે આપણી સંસ્કૃતિ અને વિરાસતના આ અભિન્ન અંગને બચાવવાની આપણી સૌની જવાબદારી છે.
રાજા મહારાજાના સમયમાં પશુ સંવર્ધન માટે આ પ્રકારના આયોજનો થતા હતા. કામા અશ્વ શોની શરૂઆત વાંકાનેરના રાજવી અને દેશના તત્કાલીન પર્યાવરણ મંત્રી સ્વશ્રી ડૉ. દિગ્વિજયસિંહ ઝાલાએ કરાવી હતી જે તેમના પશુ પ્રેમ અને પ્રકૃતિ પ્રેમનો પરિચય કરાવે છે. પ્રકૃતિ પ્રેમ માટે તેમણે જે તે સમયે રેલવે વિભાગના નીતિવિષયક નિયમોમાં ફેરફારો કરાવી રેલવેના પાટામાં લાકડાના બદલે સિમેન્ટના સ્લીપરનો ઉપયોગ કરાવવાનું ચાલુ કરાવ્યું, તેમના આ નિર્ણય એ પ્રકૃતિ સંવર્ધનમાં અને વૃક્ષોને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

વધુમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે મિશન મોડ પર કામગીરી શરૂ કરાવી છે. પ્રાકૃતિક કૃષિ માટે દેશી ગાય ખૂબ મહત્વ ધરાવે છે. ખેડૂત એ દેશની આર્થિક સમૃદ્ધિ અને ગૌમાતા ખેડૂતની સમૃદ્ધિનો આધાર છે. દેશી ગાયોની નસલો લુપ્ત થતી જાય છે જેને બચાવવી ખૂબ જરૂરી છે. આયુર્વેદમાં ગાયનું ગૌમૂત્ર અમૃત સમાન છે, દેશી ગાયનું ગૌમુત્ર બિનઉપજાઉ જમીનને ફળદ્રુપ બનાવે છે. ભારતની દેશી ગાયનું દૂધ અમૃત સમાન છે, જે બાળકોને વીર અને શૌર્યવાન બનાવે છે. ત્યારે તેમણે સૌને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અને ગૌ સંવર્ધન માટેના પ્રયાસોને સતત પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટશ્રી કેસરીદેવસિંહજી ઝાલાએ સ્વાગત પ્રવચન આપતા રાજ્યપાલશ્રી તથા ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું સ્વાગત અભિવાદન કર્યું હતું તથા કાર્યક્રમની આછેરી રૂપરેખા આપી હતી.
રાજકોટ પોલીસ માઉન્ટના અશ્વ સવાર પોલીસ જવાનો દ્વારા અશ્વો સાથે કરવામાં આવેલ વિવિધ કરતબોનું રાજ્યપાલશ્રીએ નિદર્શન કર્યુ હતું. તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત દેશી ગૌવંશ તથા ભેંસોનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, જસદણ સ્ટેટશ્રી સત્યજિતકુમાર ખાચર, ગોંડલ સ્ટેટશ્રી હિમાંશુસિંહ જાડેજા, આચાર્યશ્રી ઘનશ્યામજી મહારાજ, કલેકટરશ્રી કે.બી. ઝવેરી, પશુ પાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવલદાન ગઢવી, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી વિપુલ સાકરીયા, મામલતદારશ્રી કે.વી. સાનિયા, કાઠિયાવાડી હોર્સ બ્રીડર એસોસિએશનનાશ્રી અજીતસિંહ ગોહિલ સહિત કાઠીયાવાડી મારવાડી અશ્વ શો ના પદાધિકારીશ્રીઓ તથા અશ્વપાલકો અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
