RERA દ્વારા મિલકત ખરીદનારોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે નવી SOP અમલમાં મૂકાઈ
ઓનલાઇન સિસ્ટમ દ્વારા હવે ફરિયાદ નિવારણ પ્રક્રિયા વધુ વેગવાન અને પારદર્શક બનશે
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) એ મિલકત ખરીદદારો અને અન્ય હિતધારકો માટે ફરિયાદ નિવારણ પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે એક વ્યાપક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકવામાં આવી છે.
આ નવી SOP ડિજિટલ-ફર્સ્ટ અભિગમ પર આધારિત છે, જેમાં હાલની ઓનલાઇન સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને પ્રક્રિયાગત સમયમર્યાદા તથા જવાબદારીઓ સ્પષ્ટ રીતે નિર્ધારિત કરવામાં આવી છે. મિલકત ખરીદદારોને ઝડપી ન્યાય અને પ્રમોટર્સને સમયમર્યાદામાં અસરકારક રીતે પોતાનો જવાબ રજૂ કરવાની સગવડ પૂરી પાડવી, એ જ આ SOPનો મુખ્ય હેતુ છે.
*નવી SOPની મુખ્ય વિશેષતાઓ:*
*ઓનલાઇન ફરિયાદ નોંધણીને પ્રાધાન્ય:* મિલકત ખરીદદારો હવે ઘરે બેઠા ગુજરાત RERA પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી શકશે. જોકે ઓફલાઇન સુવિધા ચાલુ છે, પરંતુ ઝડપી નિકાલ માટે ઓનલાઇન ફરિયાદોને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. ઓનલાઇન ફરિયાદ કર્યા બાદ સાત દિવસની અંદર તેની ફિઝિકલ કોપી RERA કચેરીએ જમા કરાવવાની રહેશે.
*દસ્તાવેજોની ફરજિયાત રજૂઆત:* વિલંબ ઘટાડવા માટે, ફરિયાદીએ ફરિયાદ ફાઇલ કરતી વખતે જ પેમેન્ટના પુરાવા અને ઘટનાક્રમની વિગતો જેવા તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ફરિયાદોની ચકાસણી સીધી RERA સેક્રેટરી સ્તરે કરવામાં આવશે, જેથી કાર્યવાહીમાં કોઈ અવરોધ ન આવે.
*RERA ડેશબોર્ડ – માહિતીનું કેન્દ્ર:* કેસની પ્રગતિ પર નજર રાખવા માટે RERA ડેશબોર્ડ મુખ્ય પ્લેટફોર્મ રહેશે. જેમાંથી સુનાવણીની તારીખ, નોટિસ અને અંતિમ આદેશો ડિજિટલ રીતે મેળવી શકાશે. પ્રથમ નોટિસ બાદ, હિતધારકોએ સતત અપડેટ્સ માટે ડેશબોર્ડ જોતા રહેવું પડશે.
*ફરિયાદોનું સ્પષ્ટ વર્ગીકરણ:* SOPમાં ફરિયાદોના સ્વરૂપ અને યોગ્ય અધિકારીની સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી છે. જેના આધારે પ્રક્રિયાને સરળ બનાવવા માટે ફરિયાદોને બે ભાગમાં વહેંચવામાં આવી છે:
*o ફોર્મ A:* કબજો મળવામાં વિલંબ, વેચાણ કરારનો અમલ ન થવો અથવા રિફંડ જેવી સામાન્ય ફરિયાદો માટે.
*o ફોર્મ B:* માત્ર વળતર સંબંધિત દાવાઓ માટે.
આ નવી વ્યવસ્થાથી મિલકત ખરીદદારોને પારદર્શિતા અને રિયલ-ટાઇમ અપડેટ્સ મળશે. બિલ્ડરો/પ્રમોટર્સને તેમના ડેશબોર્ડ પર તુરંત નોટિસ મળવાથી તેઓ ઝડપી જવાબ આપી શકશે તેમજ કાનૂની પ્રતિનિધિઓ માટે પણ એડજર્નમેન્ટ અને અન્ય અરજીઓ માટે સ્ટ્રક્ચરલ ટેમ્પ્લેટ્સ ઉપલબ્ધ કરાવાયા છે. ગુજરાત RERA દ્વારા લેવામાં આવેલું આ મહત્વપૂર્ણ પગલું રિયલ એસ્ટેટ ક્ષેત્રે વિશ્વાસ વધારવા અને ફરિયાદોના નિકાલમાં લાગતો સમય ઘટાડવા માટે અત્યંત મહત્વપૂર્ણ પૂરવાર થશે. તમામ હિતધારકોને આ વિગતવાર SOP ગુજરાત RERAની સત્તાવાર વેબસાઇટ પર જોઈ લેવા વિનંતી કરવામાં આવી છે.
