દેશી ગાયના 10 કિલો ગોબરમાં 30 લાખ કરોડ સૂક્ષ્મ જીવાણું હોય છે: રાજ્યપાલ
‘ઝેરમુક્ત ભારત: ગાય, ગામ, કૃષિ યાત્રા’-ગોંડલથી સોમનાથ સુધીની પદયાત્રાનો રાજ્યપાલે આરંભ કરાવ્યો
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો વોરાકોટડા પાસે ૪૦ ગામના ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ-પ્રાકૃતિક કૃષિથી આવક વધવા સાથે અનેક ફાયદા થાય છે: રાજ્યપાલશ્રી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામ પાસે ગીર ગૌ જતન સંસ્થાન ખાતે ૪૦ ગામના ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. જેમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવીને ઝેરમુક્ત ખેતી અપનાવવા આહવાન કર્યું હતું. આ સાથે રાજ્યપાલશ્રીએ ‘ઝેરમુક્ત ભારત: ગાય, ગામ, કૃષિ યાત્રા‘ – ગોંડલથી સોમનાથ સુધીની પદયાત્રાને પણ પ્રસ્થાન કરાવ્યું હતું.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી છોડી દેવાથી ઉત્પાદન ઘટશે તેવો ભય ખેડૂતોમાં છે, પરંતુ મારા સહિત અનેક ખેડૂતોના અનુભવો છે કે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી પરંતુ ગુણવત્તાયુક્ત થાય છે અને વધે છે. વળી, પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ પણ સાવ નહિવત હોય છે.
રાજ્યપાલશ્રીએ આજે સવારે લુણીવાવ ગામે પ્રાકૃતિક ફાર્મની લીધેલી મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, પ્રાકૃતિક પદ્ધતિથી થયેલી ખેતીમાં એક વીઘે ૨૦થી ૨૨ મણ ચણાનું ઉત્પાદન થાય છે અને તેમાં પોષક તત્વો પણ ભરપૂર હોય છે. લુણીવાવમાં એક ખેડૂત એક ગાયથી ૧૬ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે.
રાસાયણિક ખાતર, જંતુનાશક દવાના ઉપયોગથી જમીન બંજર સાથે પથ્થર જેવી બની જતી હોવાનું ઉદાહરણ પણ તેમણે આપ્યું હતું. આ સાથે કહ્યું હતું કે, ઝેરી ખાતરથી ઉગેલા અનાજ આરોગવાથી શરીરમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ પેદા થાય છે. આ ઝેર હવે ભૂગર્ભ જળમાં પણ ઉતરવા લાગ્યું છે અને અનેક જગ્યાએ તે પીવાલાયક રહ્યું નથી. આઈ.સી.આર.ના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, ઘઉં તથા ચોખામાં ૪૫ ટકા પોષક તત્વો બચ્યા જ નથી. આવા અનાજથી પેટ તો ભરાય છે પણ પોષણ નથી મળતું.
પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવતા રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, તે સૂક્ષ્મ જીવાણુંઓથી થતી ખેતી છે. દેશી ગાયના ૩૦ દિવસના ગોબરમાંથી ૩૦ એકર જમીનનું ખાતર બની શકે છે. દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં ૩૦૦ કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. જ્યારે દસ કિલો ગોબરમાં ૩૦ લાખ કરોડ સૂક્ષ્મ જીવાણું હોય છે. એ પછી તેમાં ગોળ અને બેસન ભેળવતા આ સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા અસંખ્ય થઈ જાય છે અને તેનો ખેતરમાં છંટકાવ કરવાથી જમીનની ફળદ્રુપતા વધી જાય છે.
તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને વેગ આપવા રાષ્ટ્રીય પ્રાકૃતિક મિશન શરૂ કર્યું છે. રાજ્યમાં આજે આઠ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થયા છે.
તેમણે ખેડૂતોને આહવાન કરતા કહ્યું હતું કે, ગામડાઓના ગ્રુપ બનાવીને ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્ય અપાતી પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવીને ઝેરમુક્ત ખેતી અપનાવો. જેથી ભાવિ પેઢીને શુદ્ધ આહાર મળી શકે. પ્રાકૃતિક ખેતીથી હવા શુદ્ધ થશે, ધરતી સોના જેવી બનશે, સ્વાસ્થ્ય સારું થશે, ખેડૂતોની આવક પણ વધશે અને દેશનું હૂંડિયામણ પણ બચશે.
આ તકે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવાના શપથ લેવડાવ્યા હતા. ઉપરાંત રાજ્યપાલશ્રીએ કૃષિ સખી, કિસાન મિત્ર તથા આત્માના સ્ટાફને પ્રાકૃતિક કૃષિને મિશન તરીકે અપનાવીને આગળ વધારવા બદલ પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી ડૉ. ઓમ પ્રકાશે સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિના યજ્ઞમાં જિલ્લા વહીવટી તંત્ર કાયમ ખેડૂતોની સાથે ઊભું છે. કાર્યક્રમના અંતે ગીર ગૌ જતન સંસ્થાનના શ્રી રમેશભાઈ રૂપારેલીયાએ આભાર વિધિ કરી હતી.
આ અવસરે રાજ્યપાલશ્રીએ ગીર ગૌ જતન સંસ્થાન દ્વારા આયોજિત ‘ઝેરમુક્ત ભારત – ગાય, ગામ, કૃષિ યાત્રા‘ – ગોંડલથી સોમનાથથી સુધીની પદયાત્રાનો આરંભ કરાવ્યો હતો અને પદયાત્રા થકી લોકોમાં પ્રાકૃતિક કૃષિ અને ગાયના સંવર્ધન અંગે વધુ જાગૃતિ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તકે રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા શ્રી વિજયસિંહ ગુર્જર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.કે. વસ્તાણી, પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ તથા આત્માના અધિકારી ઉપરાંત ખેડૂતો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
