સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-2025નો પ્રારંભ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો વોકલ ફોર લોકલ-લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આ ત્રિદિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો પાર પાડશે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
સુરત જિલ્લામાં 858 કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત – ઈ-લોકાર્પણ સંપન્ન કરતા મુખ્યમંત્રીશ્રી
Ø વિકસિત–આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આદિવાસી ઉદ્યોગો–હસ્તકલા કારીગરો–MSMEને યોગદાન આપવામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો નવી દિશા આપશે
Ø પરિશ્રમ–પ્રામાણિકતા અને સ્વાભિમાન સાથે જીવતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી રૂ. 2 લાખ કરોડની જનજાતિય કલ્યાણ યોજના દેશ માટે
દિશાદર્શક છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો વોકલ ફોર લોકલ, લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આ મેળો પાર પડશે.
રાજ્યના સમસ્ત આદિવાસી સમાજ અને સહયોગી સંસ્થાઓના ઉપક્રમે આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું તા. 26 થી 29 ડિસેમ્બર દરમિયાન સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાના વસરાઈમાં આયોજન કરવામાં આવ્યું છે.
આદિવાસી સમાજના યુવાનો-યુવતીઓને સ્વરોજગારી માટેની પ્રેરણા તેમજ નાના મધ્યમ કક્ષાના MSME, ઉદ્યોગકારો અને વ્યવસાયોને એક મંચ પર સાથે લાવીને વ્યવસાય-ઉદ્યોગોનો વ્યાપ વધારવાના અભિગમ સાથે આ મેળો યોજાયો છે.
એટલું જ નહીં, 370થી વધુ સ્ટોલ્સ, આદિવાસી વાનગીઓના 80 ઉપરાંત સ્ટોલ્સ, દેશભરના રાજ્યોના 700થી વધુ પ્રતિનિધિઓની સહભાગીતા અને MSME માટે બિઝનેસ વર્કશોપ આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળામાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ પણ સાકાર કરશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાણાં અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી શ્રી ડૉ. જયરામ ગામીતની ઉપસ્થિતિમાં આ મેળાના પ્રારંભ સાથે સુરત જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા રૂ. 858 કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ સંપન્ન કર્યા હતા.
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ વિકસિત અને આત્મનિર્ભર ભારતનું જે વિઝન આપ્યું છે તેમાં આદિવાસી ઉદ્યોગો, પરંપરાગત કલા કસબ અને MSME દ્વારા યોગદાન આપવામાં આ મેળો નવી દિશા આપશે.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીએ આપેલા આત્મનિર્ભર-સ્વદેશીના આ વિઝનને ગુજરાત સુપેરે પાર પાડે છે તેની ભૂમિકાની સફળતા વર્ણવતા કહ્યું કે, રાજ્ય સરકારે સ્વ સહાય મહિલા જૂથો, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન અને કૌશલ્ય વર્ધન કેન્દ્રોથી યુવાઓને જોબ સીકરમાંથી જોબ ગિવર બનાવ્યા છે.
તેમણે સદીઓથી પરિશ્રમ, પ્રામાણિકતા અને સ્વાભિમાન સાથે જીવતા ગુજરાતના આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી રૂ. 2 લાખ કરોડની જનજાતિય કલ્યાણ યોજના દેશમાં આદિવાસીઓના વિકાસ માટે દિશાદર્શક બની છે તેનું પણ ગૌરવ કર્યું હતું.
રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે આપણા માટે ગૌરવનો દિવસ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેશરૂ કરેલી વિકાસયાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અવિરત રાખી છે. ટ્રાઈબલ ટ્રેડ ફેર આદિવાસી સંસ્કૃતિને જાળવવા સાથે આદિવાસી યુવકોને ઉદ્યોગ ધંધાનો અવસર આપી, સ્થાનિક સ્તરે રોજગારી આપવાનો પ્રયાસ છે. આદિવાસી યુવાઓ હુન્નર વિકસાવી તેઓ આગળ વધે એવા પ્રયાસોમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજને પ્રોત્સાહિત કરવા સરકાર આપણા આંગણે આવી છે. આદિવાસી સાહસિકોને પ્રોત્સાહિત કરવાનો આ અવસર છે. આ સરકારે આદિવાસી સમાજની ચિંતા કરી છે. તેમણે નવો તાલુકો અંબિકા બનાવવા બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપ ગરાસિયાએ ટ્રાઈબલ ટ્રેડ ફેરની વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર સ્વદેશી અપનાવવા આગળ આવી છે, ત્યારે આ ટ્રાઈબલ ફેરમાં ૪૦૦ જેટલા સ્ટોલ્સ છે. ખાસ કરીને વોકલ ફોર લોકલ, પ્રાકૃતિક ખેતી, આદિવાસી ખાના ખજાના પ્રોત્સાહિત કરી સાહસિકો સ્વરોજગારી મેળવે તેવો આશય રહેલો છે. પ્રમુખશ્રીએ ઇકો ફેન્ડલી બિઝનેસ સેન્ટર સ્થાપવાનું આયોજન હોવાનું પણ જણાવ્યું હતું.
ટ્રાઈબલ ટ્રેડ ફેર પ્રારંભ અવસરે નેશનલ કમિશન શિડ્યુલ ટ્રાઈબના ચેરમન અંતરસિંહ આર્ય, એસટી વેલફેર સંસદીય સમિતિના ચેરપર્સન ડો.ફગ્ગનસિંહ કુલસ્તે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિની પટેલ, બારડોલીના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, વલસાડના સાસંદશ્રી ધવલભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી ગણપતસિંહ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, કુંવરજી હળપતિ, સંદીપભાઈ દેસાઈ, વિજયભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, મોહનભાઈ કોંકણી, સામાજિક અગ્રણી માનસિંહભાઈ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
