Western Times News

Gujarati News

NDDBના ચેરમેન ડૉ. મીનેશ શાહે ‘શ્વેત ક્રાંતિ ૨.૦’ માટેનું વિઝન રજૂ કર્યું; ૨૦૪૭ સુધીમાં ભારત ‘વિશ્વની ડેરી’ બનવા સજ્જ

એએમએ દ્રારા ઇન્ડિયાઝ ડેરી પાથ અન્ડર વિકસિત ભારત ૨૦૪૭” વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરાયું

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ) દ્રારા “સેલ્ફ-સફિશિયન્સી ટુ ગ્લોબલ લીડરશિપ: ઇન્ડિયાઝ ડેરી પાથ અન્ડર વિકસિત ભારત ૨૦૪૭” વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. મીનેશ શાહ દ્રારા આપવામાં આવ્યું હતું.

એએમએના પ્રમુખ શ્રી રાજીવ ગાંધીએ સ્વાગત પ્રવચન આપતાં ભારતને દૂધની અછત ધરાવતા દેશમાંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ બનાવવાના ઐતિહાસિક પ્રવાસમાં એનડીડીબીની આત્મનિર્ભરતાથી વૈશ્વિક નેતૃત્વ સુધી મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

ડૉ. મીનેશ શાહે ભારતના ડેરી ક્ષેત્ર માટે પરિવર્તનકારી રોડમેપ રજૂ કર્યો હતો, જેનો ઉદ્દેશ્ય ૨૦૪૭ સુધીમાં દેશને આત્મનિર્ભરતાથી વૈશ્વિક નેતૃત્વ તરફ લઈ જવાનો છે. વિકસિત ભારત @૨૦૪૭ના વિઝન પર બોલતા ડૉ. શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત આગામી બે દાયકામાં વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં લગભગ ૪૫% ફાળો આપવા માટે તૈયાર છે. “શ્વેત ક્રાંતિ ૨.૦”ના વિઝનને રેખાંકિત કરતા તેમણે જણાવ્યું હતું કે ભારત ૨૦૪૭ સુધીમાં ‘ડેરી ટુ ધ વર્લ્ડ’ (વિશ્વની ડેરી) બનવાના પથ પર છે.

“માસ પ્રોડક્શન” (જનતા દ્રારા ઉત્પાદન) મોડલ પર આધારિત શ્વેત ક્રાંતિ ૨.૦નું ધ્યાન સહકારી નેટવર્કને ૩.૫ લાખ ગામડાઓ સુધી વિસ્તૃત કરવા અને સંગઠિત ક્ષેત્રની દૂધની આવકને દરરોજ ૧૦ કરોડ લિટરથી વધુ કરવા પર છે. ડૉ. શાહે હાઇલાઇટ કર્યું હતું કે લક્ષ્ય વૈશ્વિક ડેરી વેપારમાં ભારતનો હિસ્સો નજીવા ૧%થી વધારીને ૧૦% કરવાનો છે, જે ભારતને વિશ્વના પ્રાથમિક ડેરી સપ્લાયર તરીકે સ્થાપિત કરશે.

ડૉ. શાહે જણાવ્યું હતું કે, “૨૦૪૭ માટેનું અમારું વિઝન માત્ર સૌથી મોટા ઉત્પાદક બનવાનું જ નથી, પરંતુ સૌથી વધુ ટકાઉ અને ટેકનોલોજીથી સજ્જ બનવાનું છે. ૨૦૪૭ સુધીમાં, અમે અપેક્ષા રાખીએ છીએ કે આપણું ડેરી માર્કેટ ૪૦૦ અબજ યુએસ ડોલર સુધી પહોંચશે, જે સુનિશ્ચિત કરશે કે આપણા ૮ કરોડ ડેરી ખેડૂતોની સમૃધ્ધિ ભારતના વિકાસની ગાથાના કેન્દ્રમાં રહે.” ડૉ. શાહે “નેટ-ઝીરો ડેરીંગ” અને ખેડૂતોને સર્ક્યુલર ઇકોનોમીમાં જોડવાની પણ હિમાયત કરી હતી.

એએમએની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય ડૉ. ભરત પટેલે આભારવિધિ કરતાં એનડીડીબીના વૈશ્વિક નેતૃત્વની પ્રશંસા કરી હતી અને ‘ગોબર સે સમૃધ્ધિ’ પહેલ (બાયોગેસ અને જૈવિક ખાતર દ્રારા પશુઓના છાણને આવકમાં ફેરવવું) તેમજ કાર્બન ક્રેડિટ મિકેનિઝમની (જે સુનિશ્ચિત કરે છે કે ટકાઉ ખેતીના લાભો સીધા ખેડૂતોના બેંક ખાતામાં પહોંચે) વિશિષ્ટતા સમજાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.