દેથલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત રાજ્યપાલે લઈ દૂધ ઉત્પાદકો સાથે કર્યો સંવાદ
દેથલી ગામે “ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાનની કામગીરીની પ્રશંસા; રાજ્ય સ્તરે અભિયાનનું અમલીકરણ કરવાની નોંધ લેતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
પશુઓ માટે સેક્સ સોર્ટેડ સિમેનનો લાભ લેવા પશુપાલકોને રાજ્યપાલશ્રીની સલાહ
ખેડા, ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લાના દેથલી ગામની મુલાકાતે આવેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દેથલી દૂધ ઉત્પાદક મંડળીની મુલાકાત લઈ દૂધ ઉત્પાદકો અને પશુપાલકો સાથે મહત્વપૂર્ણ સંવાદ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ દૂધ મંડળીની કામગીરી, માસિક આવક, દૂધના ભાવ, ગુણવત્તા, ફેટનું પ્રમાણ, કુલ માત્રા અને દૂધના માર્કેટ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી.
તેમણે દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે વાત કરી પશુપાલનના વ્યવસાય પર માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ ખાસ કરીને સેકસ શોર્ટેડ સીમેન, બીજદાન પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ પશુઓનો દૂધ ઉત્પાદન વ્યવસાયમાં ઉપયોગ કરવાના લાભ જણાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે સેકસ શોર્ટેડ સીમેન બીજદાન પદ્ધતિથી પશુઓની દૂધ ઉત્પાદક ક્ષમતા વધે છે. જેનાથી દૂધ ઉત્પાદકોની આવકમાં વધારો થાય છે. સૌ પશુપાલકોને પશુઓ માટે સેક્સ સોર્ટેડ સિમેનનો લાભ લેવા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર અને નિવાસી અધિક કલેકટર શ્રી જે. બી. દેસાઈએ ખેડા જિલ્લામાં કુપોષણ નિવારણ હેતુ જિલ્લા સ્તરે શરૂ કરાયેલ ” ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાનથી રાજ્યપાલશ્રીને પરિચિત કરાવ્યા હતા.
ગામના દૂધ ઉત્પાદકો પ્રતિદિન દૂધ મંડળીઓમાં રાખેલ આશીર્વાદ પાત્રમાં સ્વ ઈચ્છાએ દૂધનું દાન કરે છે, જેનો ઉપયોગ આંગણવાડીના કુપોષિત બાળકો કરે છે. દેથલી ગામે “ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાનની કામગીરીથી રાજ્યપાલશ્રી ખૂબ જ પ્રભાવિત થયા હતા. અને રાજ્ય સ્તરે આ અભિયાનનું અમલીકરણ કરાવવા નોંધ લીધી હતી.
આ પ્રસંગે ઇન્ચાર્જ કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનર શ્રી જી.એચ.સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.બી. દેસાઈ, પ્રાંત અધિકારી શ્રી સુરજ બારોટ, દૂધ મંડળીના સભાસદો, આંગણવાડીની બહેનો, પશુપાલકો અને દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા.
