દેશભરમાં શીતલહેરઃ ઉત્તર ભારત ગાઢ ધુમ્મસના સકંજામાં
File Photo
યુપીની સ્કૂલોમાં રજા, મધ્યપ્રદેશ-ઝારખંડમાં કાતિલ ઠંડી
(એજન્સી)નવી દિલ્હી, દેશભરમાં હાલ હાડ થીજવતી ઠંડી અને શીતલહેરનો પ્રકોપ યથાવત્ છે. પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષા અને તાપમાનમાં મોટા ઘટાડાને કારણે મેદાની વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. સોમવારે સવારે દેશની રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું, જેના કારણે ઇÂન્દરા ગાંધી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર વિઝિબિલિટી ઘટીને માત્ર ૫૦ મીટર રહી ગઈ હતી,
જેની સીધી અસર ફ્લાઇટ કામગીરી પર પડી છે. ઉત્તર ભારત ધુમ્મસની ચાદરમાં લપેટાયું ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા છે. યુપીના આગ્રા, મેરઠ અને ગોરખપુર સહિત ૩૭ જિલ્લાઓમાં હવામાન વિભાગે અત્યંત ગાઢ ધુમ્મસનું ઍલર્ટ જાહેર કર્યું છે, તેમજ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
પંજાબના એસબીએસ નગરમાં લઘુતમ તાપમાન ૨.૪ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમૃતસર, લુધિયાણા અને પટિયાલામાં પણ પારો ૫થી ૬ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. હરિયાણાના રેવાડીમાં વિઝિબિલિટી એટલી ઓછી હતી કે ૧૦-૧૫ મીટર દૂર જોવું પણ મુશ્કેલ બન્યું હતું.
ઝારખંડ અને બિહારમાં સ્થિતિ ગંભીર ઝારખંડના પ્રવાસન સ્થળ મેક્લુસ્કીગંજમાં રવિવારે પારો ગગડીને ૦.૯ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર શીતલહેરની ઝપેટમાં આવી ગયો છે. બિહારમાં પણ પટના સહિત ૨૫ જિલ્લાઓમાં ‘કોલ્ડ ડે’ જેવી સ્થિતિ સર્જાઈ છે. જહાનાબાદ, ગયા અને બક્સર જેવા વિસ્તારોમાં ભીષણ ઠંડીને કારણે લોકો ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. રાજસ્થાનના પણ મોટાભાગના શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે.
૩૦ ડિસેમ્બરઃ પંજાબ, હરિયાણા, યુપી અને બિહાર સહિતના રાજ્યોમાં ઠંડીનું જોર યથાવત રહેશે અને સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. ૩૧ ડિસેમ્બરઃ ધુમ્મસમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ મધ્યમ ઠંડી ચાલુ રહેશે. ૧ જાન્યુઆરી (નવું વર્ષ)ઃ નવા વર્ષના પ્રારંભે પહાડી રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્્યતા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેશે.
ઉત્તર ભારતમાં ખાસ કરીને દિલ્હીમાં ધુમ્મસનાં કારણે વિઝિબિલીટી ખૂબ જ ઓછી હોવાથી હવાઈ સેવાઓ ઉપર વિપરીત અસર પડી ગઈ છે. દરરોજ ફ્લાઈટો રદ થતાં એરપોર્ટ ઉપર જ પ્રવાસીઓ રઝળી પડે છે. આ ઉપરાંત ટ્રેનોને નિયત કરતાં ઓછી ગતિએ ચલાવવાં નિર્દેશ આપવામાં આવ્યો છે.
