કેરળ જતી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગી, એક વ્યક્તિનું મોત
(એજન્સી)મુંબઈ, ઝારખંડના ટાટાનગરથી કેરળ જતી ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસમાં આંધ્રપ્રદેશના અનાકાપલ્લે નજીક ભીષણ આગ લાગી હતી. ટ્રેનના એસી કોચમાં લાગેલી આ આગમાં બે ડબ્બા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે.
A fire broke out in two coaches of the #TataErnakulamExpress near Elamanchili, Anakapalli early today. The loco pilot halted the train immediately and enabled mass evacuation.
આ દુર્ઘટનામાં એક મુસાફરનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.અહેવાલો અનુસાર, ટ્રેન જ્યારે અનાકાપલ્લે જિલ્લાના એલામંચિલી સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એસી કોચમાંથી ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. ટ્રેનમાંથી આગ નીકળતી જોઈ લોકો પાયલટે તાત્કાલિક એલામંચિલી સ્ટેશન પર ટ્રેન રોકી દીધી હતી,
જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આગ ટ્રેનના બી૧, બી૨ અને એમ૧ કોચમાં ફેલાઈ હતી. રેલવે કર્મચારીઓએ તાત્કાલિક અન્ય કોચને આ સળગતા ડબ્બાથી અલગ કરી દીધા હતા.અનાકાપલ્લીના પોલીસ અધિક્ષક તુહિન સિંહાએ પુષ્ટિ કરી છે કે બળી ગયેલા કોચમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
જોકે, રેલવેએ તેના સત્તાવાર નિવેદનમાં તમામ મુસાફરો સુરક્ષિત હોવાનો અને કોઈને ઈજા ન થઈ હોવાનો દાવો કર્યાે છે, જે મૃતદેહ મળવાની વાત સાથે વિરોધાભાસ ઊભો કરે છે.પરવાડા ડીએસપી વિષ્ણુ સ્વરૂપ અને એનટીઆર ટીમની દેખરેખ હેઠળ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રેલવે દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શંકા સેવાઈ રહી છે.
