બેંકોમાં મશીનો હોવા છતાં નકલી નોટો બૅન્કોના કાઉન્ટર સુધી પહોંચી કેવી રીતે?
પ્રતિકાત્મક
કેટલીક નોટો પર સ્પષ્ટપણે ‘ચિલ્ડ્રન બૅંક’ લખેલું હતું, તેમ છતાં તે બૅંકિંગ સિસ્ટમ સુધી પહોંચી ગઈ હતી. કેટલીક નોટો હાઇ-ક્વોલિટી કલર ઝેરોક્ષ જેવી જણાતી હતી.
અમદાવાદમાં નકલી નોટોનું મોટું કાવતરુંઃ ૧૭ બૅન્કમાંથી પાંચ લાખથી વધુની ફેક કરન્સી જમા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ભારતીય ચલણને નબળું પાડવાનું એક ગંભીર કાવતરું સામે આવ્યું છે. શહેરની રિઝર્વ બૅન્ક આૅફ ઇન્ડિયા સહિતની ૧૭ જેટલી સરકારી અને ખાનગી બૅન્કોમાં મોટા પ્રમાણમાં નકલી નોટો જમા થઈ હોવાનો સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. આ મામલે અમદાવાદ એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ) ક્રાઇમ બ્રાંચે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચને મળેલી માહિતીના આધારે વિવિધ બૅંકોમાં જમા થયેલી શંકાસ્પદ નોટોના સીલબંધ કવરો મેળવવામાં આવ્યા હતા. પંચોની હાજરીમાં આ કવરો ખોલતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. બૅન્ક વ્યવહાર દરમિયાન સિસ્ટમમાં ઘુસાડી દેવાયેલી આ નોટો અસલ જેવી જ દેખાતી હતી.
તપાસ દરમિયાન કુલ ૧૬૨૭ નકલી નોટો મળી આવી છે, જેની બજાર કિંમત આશરે ૫,૩૩,૮૫૦ રૂપિયા જેટલી થાય છે. જેમાં ૫૦૦ની ૭૯૪ નોટ, ૨૦૦ની ૩૭૭ નોટ, ૧૦૦ની ૨૬૮ નોટ, ૫૦ની ૧૭૨ નોટ, ૨૦૦૦ની ૧૩ નોટ, ૨૦ની ૦૨ અને ૧૦ની ૧ નોટ સામેલ છે.
તપાસમાં એક આશ્ચર્યજનક વિગત સામે આવી છે કે કેટલીક નોટો પર સ્પષ્ટપણે ‘ચિલ્ડ્રન બૅંક’ લખેલું હતું, તેમ છતાં તે બૅંકિંગ સિસ્ટમ સુધી પહોંચી ગઈ હતી. કેટલીક નોટો હાઇ-ક્વોલિટી કલર ઝેરોક્ષ જેવી જણાતી હતી. ફાટી ગયેલી કે ખરાબ થયેલી નોટો પર ગુંદર પટ્ટી કે સેલો ટેપ લગાવીને તેને ચલણમાં ઘુસાડવાનો પ્રયાસ કરાયો હતો.
પોલીસે આ વખતે પુરાવા એકત્ર કરવા માટે આધુનિક ટૅક્નોલાજીનો સહારો લીધો છે. ‘ઈ-સાક્ષ્ય’ ઍપ્લિકેશન મારફતે તમામ નકલી નોટોની ઓનલાઇન વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી છે જેથી કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરી શકાય.
હવે સવાલ એ ઊભો થયો છે કે આટલી મોટી સંખ્યામાં નકલી નોટો બૅન્કોના કાઉન્ટર સુધી પહોંચી કેવી રીતે? શું આમાં કોઈ મોટી ગેંગ સક્રિય છે કે પછી બૅંકના સ્ટાફની કોઈ ક્ષતિ છે? એસ.ઓ.જી. હવે સીસીટીવી ફૂટેજ અને ડિપોઝિટ સ્લિપના આધારે આ નોટો જમા કરાવનાર શખસો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યાં છે.
