Western Times News

Gujarati News

માણસામાં એરંડાની આડમાં ચાઈનીઝ દોરીનો કારોબાર

(એજન્સી)ગાંધીનગર, ઉત્તરાયણ નજીક આવતા જ ગુજરાતમાં ચાઈનીઝ દોરીનો વેપલો વધ્યો છે. હાઈકોર્ટેના કડક વલણ બાદ પોલીસની ટીમો રાજ્યભરમાં ચાઈનીઝ દોરી વેચતા લેભાગુ તત્વોને ઝડપી લેવા દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે  ગાંધીનગરના માણસાના બિલોદરામાંથી ચાઈનીઝ દોરીની ૯૬૦ રીલ જપ્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત ૨.૮૮ લાખ આંકવામાં આવી છે. વેપારી ખેતરમાં વાવેલા એરંડાની આડમાં ચાઈનીઝ દોરીને સંતાડી તેનું વેચાણ કરતો હતો.

માણસા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે બિલોદરા ગામનો દલપુજી ઠાકોર નામનો ઈસમ મહેસાણા-હિંમતનગર હાઈવે પર આવેલા ચડાસણા તરફ જતા રોડ પાસે આવેલા સર્વે નંબર ૩૬૧ વાળા ખેતરમાં ચાઈનીઝ દોરીનું બેફામ વેચાણ કરે છે. જે બાદ પોલીસ ટીમ ખેતરમાં દોડી ગઈ હતી જ્યાં ચેકિંગ દરમિયાન એરંડાની વચ્ચે પ્લાસ્ટિકના ૨૦ જેટલા કાર્ટૂન છુપાવેલા હતા, જેમાં ૯૬૦ જેટલી ચાઈનીઝ દોરીની રિલ હતી. પકડાયેલા જથ્થાની કુલ કિંમત ૨.૮૮ લાખ છે. જેને પોલીસે જપ્ત કર્યો છે.

બીજી તરફ પોલીસ ચોક્કસ બાતમીને આધારે ત્રાટકી હોવા છતાં પણ આરોપી ભાગી છૂટવામાં સફળ રહેતા પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ ઉઠયા છે. હાલ તો પોલીસ નાયલોન કે સેન્થેટીક મટીરીયલથી બનેલી દોરીના ઉત્પાદન અને વેચાણ પર કડક પ્રતિબંધ રહે તે માટે એક્શન લઈ રહી છે. આરોપી દલપુજી ઠાકોર સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ અને ૨૯૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે ગત ૨૬ ડિસેમ્બરના રોજ ઉત્તરાયણ ૨૦૨૬ પહેલા ગુજરાત હાઇકોર્ટે નાયલોન અને ચાઇનીઝ માંઝામાંથી બનેલા પ્રતિબંધિત પતંગ ઉડાવવાના દોરા પર પ્રતિબંધ લાગુ કરવાના રાજ્યના પ્રયાસોની સમીક્ષા કરી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા ચાઈનીઝ દોરી અને પ્રતિબંધિત તુક્કલ જેવી જીવલેણ વસ્તુઓનું વેચાણ, સંગ્રહ કે વપરાશ કરનાર સામે કડકમાં કડક પગલાં લેવાનો આદેશ અપાયો છે. કોર્ટે તમામ જિલ્લા પોલીસ વડાઓને નિર્દેશ કર્યો હતો કે પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગેનો ડે-ટુ-ડે (રોજિંદો) રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.

કોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામા મુજબ, ૨૧ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન, પોલીસે આ પ્રતિબંધિત વસ્તુઓના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અથવા ઉપયોગ સંબંધિત ૫૯ ગુના નોંધ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.